મુસ્લિમોના આર્થિક બહિષ્કારની હાકલ બદલ ગુનો નોંધવા અદાલતનો આદેશ
પાટણ જિલ્લામાં એક વર્ષ પહેલાં કોમી તોફાનમાં થયા હતા:પોલીસે ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરી દીધો હતો
ગત વર્ષે 16મી જુલાઇએ પાટણ જિલ્લાના બાલીસણા ગામમાં કોમી તોફાનો થયા બાદ મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાનું આહવાન કરનારાઓ સામે ફરિયાદ નોંધવા પાટણની અદાલતે પોલીસને આદેશ કર્યોં હતો.
એ ગામમાં ગત વર્ષે તોફાન થયા બાદ મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાની હાકલ કરતી વિડિયો જારી કરવામાં આવી હતી.તે અંગે જે તે સમયે મકબૂલહુસેન શેખ નામના શખ્સે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ફરિયાદ નોંધવાનો ઇનકાર કરતાં શેખે પાટણની સિવિલ કોર્ટમાં દાદ માંગી પુરાવા તરીકે વિડિયો કલીપો રજુ કરી હતી.આ અંગે સિવિલ જજ એચ.પી.જોશીની અદાલતમાં સુનાવણી થઈ હતી.
તેમાં પોલીસે જણાવ્યા મુજબ મુસ્લિમોના આર્થિક બહિષ્કાર કરવાનું એલાન થયું હતું પણ કોઈએ બહિષ્કાર કર્યો નહોતો.કોઈને માર નહોતો પડ્યો કે કોઈનું અપમાન નહોતું કરવામાં આવ્યું.જો કે અરજદારના કહેવા મુજબ આ બનાવ પછી અનેક મુસ્લિમોએ પોતાની દુકાનો અને રોજગારી ગુમાવી દીધી હતી.અદાલતે બનાવ અંગેના વિડિયો પરથી મુસ્લિમોની દુકાનો ખાલી કરાવી હોય અને આર્થિક બહિષ્કાર થયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાતું હોવાનું જણાવી આરોપીઓ સામે ગુનો નોંધવા આદેશ કર્યો હતો.