શ્રીલંકાના ક્રિકેટરને નડ્યો ઋષભ પંત જેવો જ અકસ્માત
કારનો બૂકડો બોલી ગયો: પરિવાર પણ સાથે હતો
ઋષભ પંતને ક્રિકેટના મેદાન પર વાપસી કરતો જોઈ ક્રિકેટપ્રેમીઓના ચહેરા પર અનેરી મુસ્કાન આવી ગઈ છે ત્યારે આવો જ વધુ એક કાર અકસ્માત શ્રીલંકાના ક્રિકેટરને નડ્યો છે. શ્રીલંકાનો પૂર્વ ક્રિકેટર લાહિરુ થિરિમાને કાર અકસ્માતનો ભોગ બન્યો છે. અકસ્માત વખતે તેનો પરિવાર પણ સાથે હતો. જો કે ક્રિકેટરને મામૂલી ઈજા પહોંચી છે સાથે સાથે તેનો પરિવાર પણ સુરક્ષિત છે. આ ઘટના અનુરાધાપુરાના થિરાપન્ને વિસ્તારમાં એક ટ્રક સાથે અથડાવાને કારણે બની છે. જે કારમાં થિરિમાને બેઠો હતો તેનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો છે.
લાહિરુ થિરિમાને લેજન્ડ ક્રિકેટ ટ્રોફી-૨૦૨૪ રમી રહ્યો હતો. તેણે ૧૧ માર્ચે ન્યુયોર્ક સ્ટ્રાઈકર્સ માટે ૩૮ દડામાં ૯૦ રનની તોફાની ઈનિંગ રમી હતી જેના માટે તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરાયો હતો. આ એવોર્ડ તેણે પરિવારને સમર્પિત કર્યો હતો. આ પછી તે ૧૩ માર્ચે પલ્લેકેલેમાં લેજન્ડ ક્રિકેટ ટ્રોફીમાં ન્યુયોર્ક સ્ટ્રાઈકર્સ વતી રમ્યો હતો. થિરિમાને પોતાના પરિવાર સાથે મંદિર જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. જો કે અકસ્માતમાં તેને અને પરિવારને કોઈ ગંભીર ઈજા પહોંચી હોવાનું ધ્યાન પર આવ્યું નથી.