ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાનું એલાન: ૭+૪+૪નું `કોમ્બિનેશન’
રોહિત શર્મા કેપ્ટન, ગીલ વાઈસ કેપ્ટન: શમીની વાપસી: બુમરાહ-જાડેજાને પણ સ્થાન
સીરાજ, નીતિશ, કરુણને તક નહીં: ૧૯ ફેબ્રુઆરીથી ટૂર્નામેન્ટનો પ્રારંભ
૧૯ ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. અપેક્ષા પ્રમાણે ટીમમાં વધુ ફેરફાર કરવામાં આવ્યા નથી. રોહિત શર્મા ઉપરાંત સીનિયર બેટર વિરાટ કોહલી, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે તો વાઈસ કેપ્ટનની જવાબદારી શુભમન ગીલને અપાઈ છે.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ટીમમાં વાપસી થઈ છે તો અર્શદીપ સિંહને પણ જગ્યા મળી છે. વિકેટકિપરના રૂપમાં ઋષભ પંત અને કે.એલ.રાહુલને સમાવાયા છે. એકંદરે ટીમે ૭+૪+૪નું કોમ્બિનેશન બનાવ્યું છે મતલબ કે ૭ બેટર, ચાર ઑલરાઉન્ડર અને ચાર બોલરની પસંદગી કરવામાં આવી છે.
ઓપનિંગ બેટિંગની જવાબદારી શુભમન ગીલ અને રોહિત શર્મા ઉપર રહેશે તો ત્રીજા ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલને તક મળી છે. વિરાટ કોહલી ઉપરાંત શ્રેયસ અય્યર અને કે.એલ.રાહુલ મધ્યક્રમની બેટિંગ સંભાળશે. હાર્દિક પંડ્યા બોલિંગ ઑલરાઉન્ડર, સ્પિન ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા છે. સ્પીનરોમાં કુલદીપ યાદવને સમાવાયો છે. ફાસ્ટ બોલરોમાં અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી મોરચો સંભાળશે. ટીમમાં મોહમ્મદ સીરાજ, નીતિશકુમાર રેડ્ડી, કરુણ નાયરને તક અપાઈ ન્હોતી.