તબીબ હોય તો શુ થયું આઈ-કાર્ડ બતાવો પછી જ એન્ટ્રી : સુરક્ષા કર્મી
સિવિલ હોસ્પિટલમાં નિયમ બધા માટે સરખા
દર્દીના સગાઓ સાથે તબીબોના પણ કાર્ડ ચેક કરતાં સવાર-સવારમાં હોસ્પિટલમાં દેકારો મચ્યો : નર્સિંગ સ્ટાફને એક વર્ષથી ન અપાયેલા કાર્ડ પણ તાત્કાલિક ઉપલબ્ધ કરાયા
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પૂર્વે જ રેસિડેન્ટ તબીબ અને કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ વચ્ચે દર્દીને સારવાર આપવાના મુદે ઝપાઝપી થયા બાદ હોસ્પિટલમાં નિવૃત આર્મીમેનની ભરતી કરી સિક્યુરિટી લોખંડી કરવામાં આવી હતી. હવે આ લોખંડી સિક્યુરિટીમાં તબીબોનું પણ ચાલતું નથી. કારણ કે,તેમની પાસેથી પણ હવે સુરક્ષા કર્મીઓ આઈ કાર્ડ માંગે છે. અને જો આઈ-કાર્ડ ન હોય તો હોસ્પિટલમાં એન્ટ્રી આપવામાં આવતી નથી.જેથી ગઇકાલ સવારે અનેક તબીબોને એન્ટ્રી આપવામાં ન આવતા હોબાળો મચી જવા પામ્યો હતો.
માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફનાં સગાને યોગ્ય સારવાર ન આપી ડૉક્ટર સાથે ઝપાઝપી અને સ્ટાફ નર્સને તબીબે ફડાકા પણ મારી દીધાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ બનાવની સાથે હોસ્પિટલમાં કામ કરતાં કોન્ટ્રાકટ બેઝ કર્મીઓ તાત્કાલિક હડતાલ પર ઉતરી ગયા હતા. જ્યારે સમજાવટ બાદ મામલો થાળે પડી ગયો હતો.હવે બીજી બાજુ જુનિયર રેસીડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા હતા અને હોસ્પિટલમાં સિક્યુરિટી વધારવાની માંગણી કરી હતી. જેથી તેઓની આ માંગણીને તબીબી અધિક્ષક ડો.આર. એસ. ત્રિવેદી સ્વીકારી લીધી હતી. અને સ્ટાફને સૂચના આપતાની સાથે જ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં નિવૃત આર્મીમેનને ફરજ પર મુકવામાં આવ્યા હતા. અને દર્દીના સગાનોને પાસ સિસ્ટમથી જ મળવા દેવાનું શરૂ કરી દીધું હતું. તો હવે બીજી બાજુ સુરક્ષા કર્મીઓ નિયમ બધા માટે સરખા હોય તે સૂત્રનું પાલન કરી તબીબો પાસેથી પણ પોતાના આઈ કાર્ડ માંગ્યા હતા. જેથી ઘણા તબીબો સાથે પોતાનું આઈકાર્ડ ન હતું. જેથી સવાર સવારમાં તેઓને એન્ટ્રી આપવામાં ન આવતા દેકારો મચી જવા પામ્યો હતો.
જ્યારે ઘણા નર્સિંગ સતફ સ્ટાફને તો પોતાના આઈકાર્ડ પણ આપવામાં આવ્યા ન હતા. જેથી તેઓને પણ હોસ્પિટલમાં એન્ટ્રી મળી ન હતી. જેથી સવારમાં સીવીલના અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. અને ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો. જેથી તબીબો દ્વારા માંગણી કરી વધારવામાં આવેલી સિક્યુરિટી હવે તબીબો પાસેથી આઈકાર્ડ માંગતા તેઓ મૂંઝાયા હતા.
જે મહિલા તબીબ સાથે માથાકૂટ થતાં સિક્યુરિટી વધારવામાં આવી હતી તેને જ એન્ટ્રી ન મળી
સિવિલ હોસ્પિટલમાં સમયસર અને યોગ્ય સારવાર ન મળતી હોવાના આરોપો સાથે હોસ્પિટલનાં કર્મચારી રૂખસાનાબેન રાઠોડે વિરોધ નોંધાવ્યો અને તેમણે ફરજ પરના ડો.મેરી સાથે માથાકૂટ થઈ હતી. અને કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા. જ્યારે તે મામલો તો સમજાવટથી પૂર્ણ થઈ ગયો હતો. અને બીજી બાજુ ડો.મેરી સહિતના રેસિડેન્ટ તબીબો હોસ્પિટલમાં સિક્યુરિટી વધારવાની માંગ સાથે હડતાલ પર ઉતરતા તેમની માંગ સ્વીકારવામાં આવી હતી. હવે જે મહિલા તબીબને માથાકૂટ થઈ હતી. અને સિક્યુરિટી વધારવામાં આવી હતી. તે જ તબીબને સુરક્ષા કર્મીએ આઈકાર્ડ વગર હોસ્પિટલમાં એન્ટ્રી ન આપતા જોવા જેવી થઈ હતી.