જમ્મુ -કાશ્મીરમાં કેટલા આતંકી ઠાર થયા ? ક્યાં થયું ગોળીયુધ્ધ ? વાંચો
જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક કેપ્ટન શહીદ થયા હતા, જ્યારે ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. પીટીઆઈના અહેવાલ અનુસાર, અધિકારીઓએ કહ્યું હતું કે કેટલાક આતંકવાદીઓ ભાગી ગયા હતા. ડોડામાં શહીદ થયેલા કેપ્ટન 48 રાષ્ટ્રીય રાઈફલ્સના હતા. વ્હાઇટ નાઈટ કોર્પ્સે કહ્યું છે કે ભારે ગોળીબાર વચ્ચે આતંકવાદીઓની શોધ ચાલુ જ રખાઇ છે.
સુરક્ષા દળોને માહિતી મળી હતી કે જમ્મુના ઉધમપુર જિલ્લાના પટનીટોપ અને ડોડા જિલ્લાના અસારના સરહદી જંગલોમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા છે, ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મંગળવારે સાંજે 7:00 થી 8:00 વાગ્યાની વચ્ચે સુરક્ષા દળો એ રૂમ સુધી પહોંચી ગયા હતા જ્યાં આતંકીઓ આરામ કરી રહ્યા હતા. આતંકીઓએ ત્યાં હથિયારો અને દારૂગોળો રાખ્યો હતો.
સુરક્ષા દળોને જોઈને આતંકવાદીઓ સ્તબ્ધ થઈ ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ પણ જવાબી ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષાદળોથી ઘેરાયેલા જોઈને આતંકવાદીઓ ભાગી ગયા હતા. આતંકવાદીઓ તેમની એક M4 કાર્બાઈન અને કેટલાક દારૂગોળો છોડીને ગભરાઈને ભાગી ગયા હતા. સેનાના જવાનોએ ઘટના સ્થળેથી દારૂગોળો અને હથિયારો જપ્ત કર્યા હતા.