તમે દંડ કરો, અમને ડર નથી; મંજૂરી લીધા વિના બોર્ડ-બેનર લગાડશું જ !
૧૧ દિવસમાં કાલાવડ, યુનિ., સાધુ વાસવાણી રોડ જેવા પોશ' વિસ્તારોમાંથી ૩૭૪૮ બોર્ડ-બેનર જપ્ત: લાખોનો દંડ
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પીજીવીસીએલના થાંભલા તેમજ જ્યાં જગ્યા મળે ત્યાં પોતાની કંપની કે બ્રાન્ડની જાહેરાત કરતા બોર્ડ-બેનર મંજૂરી વગર જ ટીંગાડી દેવામાં આવતાં હોવાનો અહેવાલ
વોઈસ ઓફ ડે’ દ્વારા પ્રસિદ્ધ કરાતા જ દબાણ હટાવ શાખાએ તૂટી પડી આવા બોર્ડ-બેનર જપ્ત કર્યા હતા.
જો કે આ કારસ્તાન કરનારા લોકોને તંત્રનો કે તેના દ્વારા ફટકારાતાં દંડનો કોઈ જ ડર ન હોય તેવી રીતે એક વખત બોર્ડ જપ્ત કરાય કે તુરંત જ બીજું બોર્ડ ટીંગાડી દેવામાં આવતું હોય આ પ્રકારની કાર્યવાહીની કોઈ જ અસર થતી ન હોવાનું ધ્યાન પર આવી રહ્યું છે.
બીજી બાજુ તંત્રનો સમય અને ઉર્જા એમ બન્નેનો વેડફાટ પણ થઈ રહ્યો હોવાથી હવે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તો જ સુધારો થઈ શકે તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
દરમિયાન દબાણ હટાવ શાખા દ્વારા તા.૫ માર્ચથી ૧૬ માર્ચ સુધીના ૧૧ દિવસમાં કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સ્પીડવેલ ચોક, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્સ રિંગરોડ, સંતકબીર રોડ સહિતના `પોશ’ વિસ્તારમાં ૩૭૪૮ બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જ રીતે તા.૨૮-૨-૨૦૨૪થી તા.૧૯-૩-૨૦૨૪ દરમિયાન અલગ-અલગ માર્ગો પરથી બોર્ડ-બેનર જપ્ત કરી તેને લગાડનાર આસામી પાસેથી ૧.૧૫ લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે. આ ઉપરાંત ૮૧ રેંકડી-કેબીન, ૧૮૮ પરચુરણ ચીજ-વસ્તુઓ તેમજ ૮૦૪ કિલો શાકભાજી-ફળનો જથ્થો જપ્ત કરી કુલ રૂા.૩,૭૩,૯૦૫નો દંડ વસૂલવામાં આવ્યો છે.