લોનની રિકવરી કરવા ગયેલા બેંકના મેનેજર પર ત્રણ શખ્સોનો હુમલો
બાઇક લોનના ત્રણ માસના હપ્તા ચડી જતાં ઉઘરાણી કરવા આવેલા કર્મીઓને લોનધારકે ધોકાવાડી કરતાં શાપર પોલીસમાં નોંધાતો ગુનો
રાજકોટના ઢોલરા ગામમાં બાઈક લોનના હપ્તા રિકવરી કરવાં ગયેલા ઉજ્જીવન બેંકના મેનેજર અને બેંકના અન્ય કર્મીને લોનધારક સહિત ત્રણ શખ્સોએ ધોકા વડે માર મારતા શાપર પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
બનાવ અંગે અમદાવાદમાં નરોડામાં રહેતાં અને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતાં ભાવેશભાઈ દીલીપભાઈ મકવાણા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જેન્તી દવેરા અને તેના બંને પુત્રના નામ આપતાં જણાવ્યું હતું કે, બેન્કના એરીયા મેનેજર ભૌતીકભાઈ કાનાણી સાથે ભાવનગરથી નિકળી રાજકોટ મવડી ચોકમાં આવેલ બેન્કમાં આવ્યા હતાં.
ત્યારે વિશાલભાઈ જમોડ સાથે ઢોલરા ગામે જેન્તી દવેરાના બાઈકના છેલ્લા ત્રણ માસના હપ્તાઓ ચડી જતાં તેની ઉઘરાણી કરવા માટે ગયા હતા. ત્યારે ઘરે જેન્તી અને તેના બન્ને પુત્ર હાજર હોય જેથી હપ્તા બાબતે વાત કરતાંની સાથે જ આરોપીઓ ઉશ્કેરાયા હતા. અને મેનેજર અને સાથેના કર્મી પર ધોકા વડે તૂટી પડયા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ મામલે શાપર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.