સોનું ગીરવે મુકી લીધેલા ૪.૫૦ લાખની ચોરી
જામનગર રોડ પર સૈનિક સોસાયટીમાં તસ્કરોના પરોણા: ૪.૫૦ લાખની રોકડ ઉપરાંત ઉઘરાણીના ૫૦,૦૦૦ પણ ઉઠાવી ગયા
રાજકોટમાં તસ્કરોને જાણે કે પોલીસનો કોઈ જ ખૌફ ન હોય તેવી રીતે ધડાધડ ચોરીઓને અંજામ આપી રહ્યા છે. આવી જ એક ચોરી જામનગર રોડ પર સૈનિક સોસાયટીમાં થવા પામી છે. અહીં રહેતાં અને ડ્રાઈવિંગ કામ કરતાં આધેડે સોનું ગીરવે મુકી ૪.૫૦ લાખ રૂપિયા લીધા હતા તેની અને ઉઘરાણીના ૫૦,૦૦૦ મળી કુલ પાંચ લાખ રૂપિયાની ચોરી થતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સૈનિક સોસાયટીમાં રહેતા હને ડ્રાઈવિંગ કામ કરતાં બળદેવગીરી પ્રેમગીરી ગોસ્વામી નામના બાવાજી આધેડે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.૨૨ના તેઓ સાંજે પાંચેક વાગ્યા આસપાસ હું મારા ઘેરથી પડધરી ખાતે હડકાઈ માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો અને મારો દીકરો ઘરે હતો. લગભગ રાત્રે સાડા આઠેક વાગ્યે દીકરાએ ફોન આવેલ કે અમે લોકો ગયા પછી સાડા સાતેક વાગ્યે મુખ્ય દરવાજાના તાળું મારી બહારની ડેલીને બહારની આંકડીયો દઈને ગયો હતો અને જ્યારે પરત ફર્યો ત્યારે દરવાજો ખુલ્લો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ પછી એકાદ કલાકે પરત ફર્યા બાદ મેં જોયું તો ઘરના કબાટમાંથી ત્રણેક દિવસ પહેલાં મુથુટ ફાયનાન્સમાં સોનુ મુકીને રોકડા રૂા.૪.૫૦ લાખ ઉપરાંત ઉઘરાણીના ૫૦,૦૦૦ રૂપિયાની ચોરી થઈ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. એકંદરે આ તમામ રકમ તસ્કરે ઘરમાં પ્રવેશ કરી લાકડાના કબાટમાં રાખી હતી જેની ચોરી થઈ હોય આ ચોરીને કોઈ જાણભેદૂએ જ અંજામ આપ્યો હોવાનું લાગતાં પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ શરૂ કરી છે.