તબીબી અધિક્ષકે એડિશનલ સુપ્રિટેન્ડેન્ટની માગણી કરી
કામનું ભારણ વધતાં
તાજેતરમાં ડો.ત્રિવેદીને હટાવી ડો.મોનાલી માકડિયાને ચાર્જ સોંપવામાં આવ્યો’તો: રોજિંદા
વહીવટી કામના લીધે વિભાગમાં ઓછો સમય અપાતો હોવાથી ગાંધીનગર પત્ર લખ્યો
રાજકોટની સિવિલ હોસ્પિટલ અનેક વખત વિવાદોમાં રહી છે. અને અહી અધિકારીઓના ફેરફાર કરાતા આ વિવાદોનો અંત આવ્યો હતો. અહીની કાંટાળી તબીબી અધિક્ષકની ખુરશી પર પ્રથમ તો કોઈ બેસવા માટે તૈયાર ન હતું પરંતુ બાદમાં બન્સ વિભાગના વડા અને મેડિકલ કોલેજના અધિક ડીન ડો.મોનાલી માકડીયા રાજી થતાં તેમણે ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ત્યારે હવે તેમના દ્વારા વહીવટી કામના ભારણના હિસાબે હોસ્પિટલમાં એડિશનલ સુપ્રિટેન્ડેન્ટની માંગણી કરવામાં આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના અવારનવાર સામે આવતા વિવાદો બાદ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી પાસેથી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ છીનવી લેવાયો હતો.અને તેમની જગ્યાએ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટના અધિક ડીનના ડો.મોનાલી માકડીયાને નવા સુપ્રિટેન્ડેન્ટ બનાવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સતત વિવાદ, આંતરિક ખટપટ, ઉપરાંત ડો.ત્રિવેદીની રીતિ નીતિ સામે અનેક વખત સવાલો ઉઠ્યા હતા. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હાલ ડો.મોનાલી માકડીયાને વહીવટી કામ વધતાં અને તેના કારણે પોતાના વિભાગમાં પૂરતો સમય ન આપી શકતા તેઓ દ્વારા ગાંધીનગર પત્ર લખી એડિશનલ સુપ્રિટેન્ડેન્ટની નિમણૂક કરવાની માંગણી કરવામાં આવી છે.
ઉલેખનીય છે કે,બન્સ અને પ્લાસ્ટિક વિભાગમાં તેમની પાસે ઓછો સ્ટાફ હોવાથી તેમણે રોજિદા તેમના વિભાગમાં પૂરતો સમય ન ફાળવી શકતા હોવાથી આ માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત દારૂની પરમિટ માટેનું કામ પણ હજુ સુધી કોઈને સોંપવામાં નથી આવ્યું જેથી તેનું કામકાજ પણ એડિશનલ સુપ્રિટેન્ડેન્ટને જ આપવામાં આવવાની ચર્ચાઓ થઈ રહી છે.