ગુજરાતમાં દંડ, દરોડા અને દમનની સરકાર: સમીર શાહ
ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠનના પ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ધગધગતો પત્ર લખ્યો
ગુજરાતમાં સતત ત્રણ દાયકા જેટલા સમયથી પ્રજા ભાજપને ખોબલે-ખોબલે મત આપી સતાનું સુકાન સોંપી રહી છે પરંતુ છેલ્લા થોડા સમયમાં રાજ્યમાં ઉપરાછાપરી બનેલી ઘટનાઓ અને ત્યાર બાદ ભારે વરસાદમાં માર્ગોને વ્યાપક નુકશાન બાદ પ્રજા મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠનના પ્રમુખ સમીર શાહે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધગધગતો પત્ર પાઠવી જણાવ્યું છે કે, અગાઉ ભાજપે ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સ્લોગન આપ્યું હતું પરંતુ હાલની સ્થિતિમાં આ સ્લોગન ભૂંસાઈ ગયું છે અને ગુજરાતમાં દંડ, દરોડા અને દમનની સરકાર સત્તારૂઢ હોવાની લોકોને પ્રતીતિ થઇ રહી છે જે ભાજપ માટે નુકશાન દેહ સાબિત થનાર હોવાની લાલબત્તી ધરી છે.
ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠનના પ્રમુખ સમીર શાહે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં વર્ષ ૧૯૯૫ થી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તા રૂઢ છે અને દરેક ચુંટણીમાં આ સરકાર સારી બહુમતીથી ચુંટાતી આવી છે. પરંતુ છેલ્લા થોડા સમયમાં બનેલી અમુક અઘટીત ઘટનાઓને કારણે સરકારની પ્રતિષ્ઠા થોડી ખંડિત થવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. તેમાં પણ ગત સપ્તાહમાં થયેલ ખંડવષ્ટિથી સડકો તૂટવાની ઘટનાઓ અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાની સમસ્યાઓને કારણે સરકારની પ્રતિષ્ઠા મહદ અંશે ઘવાઈ છે.
આ પ્રતિષ્ઠા લાંબો સમય સુધી ખરાબ ન રહે તે માટે આમ જનતા એટલે કે, નાના માણસો,નાના વેપારી અને નાના ઉદ્યોગકારોના જખમો ઉપર મલમપટ્ટી આપવાની તાતી જરૂર જણાઈ રહી છે. જયારે ભાજપની સહુ પ્રથમ સરકાર રાજ્યમાં સત્તારૂઢ થઇ ત્યારે તેનું મુખ્ય સ્લોગન ભય,ભૂખને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું હતું. હાલની સરકારની કાર્યપદ્ધતિથી સામાન્ય લોકોને એવું પ્રતિત થાય છે કે આ દંડ, દરોડા અને દમનની સરકાર છે. નાના લોકો, નાના વેપારીઓ કે નાના ઉદ્યોગકારોની બહુ નાની ભૂલો કે ક્ષતિ હોય કે કોઈ વેરો ભરવામાં કે કોઈ બીલ ભરવામાં થોડી ઘણી ઢીલ હોઈ તો બહુ મોટી માત્રામાં દંડ કે પેનલ્ટી લગાવવામાં આવે છે.
વધુમાં નાની અમસ્તી વહીવટી ભૂલને કારણે જો વેરો ભરવામાં ચુક થઇ હોઈતો જીએસટી નંબર રદ કરવો, માલ સ્થગિત કરવો, વાહનો,દુકાનો કે ઘરો ને સીલ મારવા કે અમુક કેસમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી અટકાયત કે ઘરપકડ કરવા સુધીના પગલાઓ,રી-ડેવલોપમેન્ટના નામે નાના લોકોના આવાસો તોડી પાડવાના પ્રયાસો વગેરે ખરેખર અતિશયોકિત ભર્યું છે. આવા નાના લોકો, વ્યવસાયકારોને કોઈ પણ પ્રકારની દંડનાત્મક કાર્યવહી કરતા પહેલા પોતાની ભૂલ સુધારવાની તક તથા માર્ગદર્શન આપવું જોઈએ.
વિશેષમાં તેઓ ઉમેરે છે કે, અત્યારનું તંત્ર એટલું ખરાબ છે કે હંગામી ધોરણે ફરજ પર ચઢેલ ટ્રાફિક વોર્ડનથી શરુ કરી લગભગ દરેક સરકારી વિભાગના કર્મચારીઓ, પટાવાળાને કલાર્કથી વરીષ્ઠતમ અધિકારીઓનો દ્રષ્ટિકોણ નકારાત્મક જ રહે છે.
તેઓ કાયદાઓ,નિયમો,દરેક માંથી કઈક ને કઈક મુદો ગોતી નાના માણસોને કેમ હેરાન કરવા ને તેમની પાસેથી કેમ વધુ ને વધુ દંડ વસૂલવો તેવી જ કાર્યપદ્ધતિમાં પ્રવૃત્ત રહે છે. આવા અધિકારીઓ,આપના ચુંટાયેલ પ્રતિનિધિઓ જેવાકે નગરસેવક, ધારાસભ્ય, સંસદસભ્યોને અમુક કિસ્સાઓમાં મંત્રીઓને પણ ગાંઠતા નથી તે હકીકત પ્રસ્થાપિત થઇ ચુકી છે. આપના એક કરતા વધુ ધારાસભ્યોએ આ હકીકતનો ખુલ્લો એકરાર અને ફરિયાદ કરેલ હોવાનું તેઓએ યાદ અપાવ્યું હતું.
આ સંજોગોમાં સરકારી તંત્રની આવી નીતિ તાત્કાલિક ધોરણે અટકવી જોઈએ અને પીપલ ફ્રેન્ડલી એટીટ્યુટ એટલે કે પ્રજાલક્ષી અભિગમ આવવો જોઈએ નહીતર અગામી વર્ષોમાં પક્ષને તથા સરકારને હાની પહોચી શકે છે. પ્રજાને આવા ઝખમો રૂઝાવવામાં સફળતા મેળવવમાં આપ જેવા મુખ્યમંત્રી મહત્વનો રોલ ભજવી શકે તેમ છે. આપ એક સરળ, સૌમ્ય અને સંવેદલશીલ વ્યક્તિ છો તેમાં કોઈ શંકા નથી. આ બધા ગુણો સાથે આપ નિશ્ચયાત્મક અને ઓથરેટિવ પણ બનો એવી અમારી અપેક્ષા છે.
આપ આવી કડક ઓથોરિટીથી નાના મોટા તમામ સરકારી અધિકારીઓને યોગ્ય આદેશ આપી સામાન્ય પ્રજા અને વેપાર ઉદ્યોગને બિનજરૂરી કનડગતથી ઉગારી પક્ષ અને સરકારની પ્રતિષ્ઠાને ફરી બુલંદ બનાવશો તેવી અપેક્ષા રાખીએ છીએ.સાથે સાથે રાજ્યના રોડ રસ્તાનું સમારકામ, વરસાદી પાણીના યોગ્ય નીકાલ થાય, ખેડૂતોને થએલ નુકશાનનું યોગ્ય વળતર મળે તેવા ત્વરીત કદમ ઉઠાવશો તેવી માંગણી પણ અંતમાં ઉઠાવી હતી.