રાજકોટમાં `તાવા’નો તડકો હવે બારેમાસ !!
એક સમય હતો જ્યારે માતાજીની માનતા માની હોય તો જ ચાપડી-ઉંધીયું ખવાતું, હવે ગમે ત્યારે થાય છે `ઉજાણી’
ખાણીપીણીના `શોખીન’ રાજકોટીયન્સ દરરોજ ૧૦,૦૦૦થી વધુ પ્લેટ ચાપડી-ઉંધીયાની ઝાપટી જાય છે: શહેરમાં ૩૦ વર્ષથી ચાપડી-ઉંધીયાનું પૂરપાટ વેચાણ: ૨૫ રૂપિયાથી શરૂ થયેલી થાળી અત્યારે ૧૦૦એ પહોંચી છતાં ખાવાના રેશિયોમાં કોઈ જ ઘટાડો નથી
શહેરની વિશિષ્ટ, જેનો ઈતિહાસ બહુ રસપ્રદ હોય, વાંચતાં-સાંભળતાં વેંત મોઢામાં પાણી આવી જાય, જેના પરથી ગૌરવ લેવું પડે તેવી એક એકથી ચડિયાતી વાનગીઓની પ્રસ્તુતિ દર શનિવારે કરવામાં આવી રહી છે ત્યારે આ વખતના અંકમાં શહેરની ટે્રડિશનલ' ગણાતી ચાપડી-ઉંધીયું કે જેને
તાવો’ તરીકે ઓળખવામાં આવે છે તેને વાંચન તરીકે પીરસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ તો એક સમય હતો જ્યારે લોકોએ માનતા માની હોય ત્યારે જ ચાપડી-તાવો બનતો પરંતુ તેમાં ફેરફાર થઈ ગયો છે અને હવે શહેરમાં તાવા' (ચાપડી-ઉંધીયુ)નો તડકો બારેમાસ થઈ ગયો છે મતલબ કે વર્ષના બારેય મહિના આ વાનગી બિન્દાસ્તપણે ખાવામાં આવી રહી છે. રાજકોટ ખાણીપીણીના શોખીન લોકોનું શહેર છે અને અહીં એવી કોઈ વાનગી નહીં હોય જેને પેટની પરવા કર્યા વગર ખાવામાં આવતી ન હોય ! આવું જ કંઈક ચાપડી-ઉંધીયુનું છું. એક અંદાજ પ્રમાણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મળીને દરરોજ ૧૦,૦૦૦ જેટલી પ્લેટ ખવાઈ રહી છે. આ વાનગીનો
રાજકોટ પ્રવેશ’ ૩૦ વર્ષ પહેલાં થયો હતો અને ત્યારે ૨૫ રૂપિયામાં વેચાઈ રહી હતી જે આજે ૧૦૦ રૂપિયે પહોંચી ગઈ છે છતાં તેના વેચાણમાં જરા અમથો ઘટાડો નથી આવ્યો ઉલટાનો વધારો થઈ ગયો છે તેમ કહી શકાય. એકંદરે ૧૦૦ રૂપિયાની થાળીમાં એક વ્યક્તિ પાંચથી લઈ દસ-દસ ચાપડી આરામથી ઝાપટી જાય છે !!
૩૦ વર્ષ પહેલાં નિલકંઠ ટોકીઝ પાસે ચાપડી-ઉંધીયુ વેચાવાનું શરૂ થયું હતું જે બંધ થઈ જતા નરુભા કે જેમને નરુભાબાપુ' તરીકે ઓળખવામાં આવે છે તેમણે
મીલન તાવા’થી વેચાણ શરૂ કર્યું જે જોતજોતામાં સુપરહિટ નિવડ્યું અને અત્યારે નિલકંઠ ટોકીઝવાળો રોડ `તાવાબજાર’થી ઓળખાઈ રહ્યો છે.
કેવી રીતે તૈયાર થાય છે ચાપડી-ઉંધીયું ?
`મીલન તાવા’ના નરુભા, વીરપાલભાઈ અને દશરથભાઈ ઝીલુભાઈ વાળાએ જણાવ્યું કે ચાપડી બનાવવા માટે દૂધ, ઘઉંનો કરકરો લોટ, જીરું, પાણી અને મીઠાનો લોટ બાંધીને તેને તળવામાં આવે છે. આ પછી તેના સાથે ખાવા માટે કોબીજ, ફુલાવર, વટાણા, વાલ, બટેટા, રિંગણા, ટમેટા સહિતના તમામ લીલોતરી શાકથી ઉંધીયું તૈયાર કરવામાં આવે છે. મોટાભાગે લોકો ચાપડીને ચોળીને ઉંધીયાના રેગડા રેડીને જ ખાતાં હોય છે જે એક લ્હાવો છે.
પંજાબી-ચાઈનીઝ ખાઈ ખાઈને થાકેલા લોકો માટે ચાપડી-ઉંધીયું પહેલી પસંદ
સામાન્ય રીતે અત્યારે રાજકોટના લોકો ચાઈનીઝ-પંજાબી ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ ઘણોખરો વર્ગ એવો પણ છે જે ચાઈનીઝ-પંજાબી ખાઈ ખાઈને થાકી ગયો છે ત્યારે તેના સ્થાને હવે લોકો ચાપડી-ઉંધીયું પહેલાં ખાવાનું પસંદ કરે છે જે આ વાનગીનો વૈભવ ગણી શકાય.
ગર્વ લેવા જેવું: ચાપડી-ઉંધીયું એ રાજકોટની જ દેન, આવો ટેસ્ટ બીજે ક્યાંય નથી મળતો
રાજકોટથી શરૂ થયેલી ચાપડી-ઉંધીયાની સફર આખા ગુજરાતમાં પહોંચી ચૂકી છે પરંતુ આપણે ગર્વ લેવા જેવી વાત એ છે કે રાજકોટ જેવો ટેસ્ટ બીજે ક્યાંય નથી મળતો અને કદાચ ભવિષ્યમાં મળશે પણ નહીં અને તેનો પૂરાવો એ છે કે શહેરમાં અત્યારે ૧૦,૦૦૦ પ્લેટ વેચાઈ રહી છે તેમાં નજીકના શહેરો-ગામડાના લોકો પણ ખાસ ચાપડી-ઉંધીયું ખાવા માટે રાજકોટ આવી રહ્યા છે !
૫૦ વર્ષ જૂના દરબાર ગાંઠિયા'એ શહેરને આપ્યો
તાવા’નો અસલ ટેસ્ટ
નરુભાએ જણાવ્યું કે તેમના પિતાએ ૫૦ વર્ષ પહેલાં કોઠારિયા નાકે દરબાર ગાંઠિયા'થી ગાંઠિયા અને ભરેલા મરચાનું વેચાણ શરૂ કર્યું હતું જેના ચાહકો હજુ પણ યથાવત છે અને ટેસ્ટથી પણ ખાસ્સા એવા વાકેફ છે. ત્યારે તેઓ પિતાની મદદ કરતા હતા અને ત્યારબાદ તેમના ચાવો વેચવાનું સુઝ્યું અને વ્યવસાય શરૂ કર્યો હતો જે આજે બંબાટ ચાલી પડ્યો છે. આજની તારીખે
દરબાર ગાંઠિયા’ ધમધોકાર ચાલી જ રહ્યા હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
કોઠારિયા રોડ પર નરુભા બાપુનો મીલન તાવો' શરૂ થયો'ને જોતજોતામાં ૧૭ ધંધાર્થીઓ ગોઠવાઈ ગયા ! એક સમયે કોઠારિયા રોડ પર નરુભા બાપુનો
મીલન તાવો’ જ ધમધમી રહ્યો હતો જેની સફળતા જોઈને જોતજોતામાં ૧૭ જેટલા ધંધાર્થીઓ અત્યારે નિલકંઠ ટોકીઝ આસપાસ ગોઠવાઈ ગયા છે અને હવે આ વિસ્તારને લોકો `તાવાબજાર’ તરીકે ઓળખવા લાગ્યા છે.