મેડિકલ વેસ્ટનો જાહેરમાં નીકાલ કરતી સોલબી હોસ્પિટલ દંડાઈ
ઈન્જેક્શન, સિરીંજ, નીડલ સહિતનો વેસ્ટ ટીપરવાનની જગ્યાએ બારોબાર જ ફેંકાઈ રહ્યો’તો: ૧૦,૦૦૦નો દંડ વસૂલાયો
એક બાજુ ભારે વરસાદને કારણે રાજકોટમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે જેને સાફ કરવા માટે મહાપાલિકા તંત્ર ઉંધે માથે થઈ જવા પામ્યું છે. બીજી બાજુ ગંદકી ઓછી કરવાની જગ્યાએ અમુક હોસ્પિટલો દ્વારા વધારો કરવામાં આવતો હોવાથી તંત્ર દ્વારા દંડરૂપી ધોકો પછાડવામાં આવી રહ્યો છે. આવી જ એક હોસ્પિટલ તંત્રની હડફેટે ચડી જતાં તેની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી.
મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કાલાવડ રોડ પર નાલંદા સોસાયટીમાં આવેલી સોલબી હેલ્થ હોસ્પિટલ પાસેથી ૧૦,૦૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. સોલબી હોસ્પિટલ દ્વારા ઈન્જેક્શન, સિરીંજ, નીડલ સહિતનો બાયો મેડિકલ વસેટ ટીપરવાનમાં નાખવાને બદલે જાહેરમાં જ ફેંકી રહી હોય તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જ શહેરની તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તેમજ ક્લિનિક ધરાવતાં ડૉક્ટરોને બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ ટીપરવાનમાં જ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.