રાજકોટથી મુંબઈ,દિલ્હી પહોંચવું સરળ પણ હીરાસર એરપોર્ટ ની મુસાફરી પીડાદાયક..!!
ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ન હોવાથી નોકરી કરતા તમામ કર્મચારીઓને રાજકોટ થી હીરાસર પહોંચવું એટલે માથાનાં દુઃખાવા સમાન: બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ ના એરપોર્ટ ઓથોરિટી દ્વારા પરિવહનની સુવિધા આપવામાં આવી છે તો રાજકોટના કર્મચારીઓને કેમ નહીં..? યુનિયને જનરલ સેક્રેટરી સુધી કરી રજૂઆત
રાજકોટ થી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા શરૂ કરવા માટે કર્મચારીઓએ તેમના અવાજને મજબૂત બનાવ્યો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયા તેને દોઢ વર્ષનો સમયગાળો થઈ ગયો છે પરંતુ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કર્મચારીઓ માટે ન હોવાના લીધે ખાસ કરીને બપોર પછીની શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓને ભારે અગવડતા પડી રહી છે.
બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નઈમાં નવું એરપોર્ટ શહેરથી દૂર બન્યા બાદ એરપોર્ટના તમામ સ્ટાફ માટે ઓથોરિટી દ્વારા ટોકન દરે અલગ અલગ શિફ્ટ મુજબ બસની સુવિધા 10 વર્ષ જેટલો સમયગાળો આપવામાં આવી હતી જ્યારે હીરાસર એરપોર્ટ રાજકોટ થી 35 કિલોમીટર દૂર છે પરંતુ કર્મચારીઓ માટે પોતાના વાહન અથવા શેરિંગ કે પછી એસટીની બસમાં એરપોર્ટ સુધી પહોંચવું પડે છે.
જ્યારે નવું એરપોર્ટ શરૂ થયું તે પહેલા જ યુનિયન દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેના પડઘા પણ કર્મચારીઓ માટે બસ પરિવહનની વ્યવસ્થા કરવા માટેનો નિર્ણય પણ લેવાયો હતો તેના માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી પરંતુ છેલ્લી ઘડીએ આ યોજનાને પડતી મૂકી દેવાતા કર્મચારીઓમાં કચવાટ ફેલાઈ ગયો હતો. યુનિયનના સભ્યો કહે છે કે અત્યારે સ્વખર્ચે અમે દરરોજ એરપોર્ટ સુધી અમારા વાહનમાં કે પછી એક સાથે ચારથી પાંચ વ્યક્તિઓ મળીને કારમાં જઈએ છીએ. દર મહિને 4000 થી 5,000 નો ખર્ચો અમારા ખિસ્સામાંથી અમે ભોગવીએ છીએ.
રૂપિયા સાથે સમયનો પણ વ્યય થાય છે, રસ્તાનું કામ ચાલી રહ્યું છે, રાજકોટ થી એરપોર્ટ સુધીના રસ્તામાં ક્યારેક જોખમી મુસાફરી પણ કર્મચારીઓ માટે ઊભી થઈ જતી હોય છે દોઢ વર્ષના સમય ગાળામાં અલગ અલગ અકસ્માતમાં ત્રણ જેટલા કર્મચારીઓના મૃત્યુ પણ થયા છે. યુનિયન કમિટીના સભ્યો કહે છે કે જીવના જોખમે અમારે નોકરી કરવા જવી પડે છે, જો તંત્ર દ્વારા અમને રાહત દરે બસને સુવિધા આપે તો અમને એરપોર્ટ સુધી પહોંચવામાં સરળતા રહે. બપોર પછીની ડ્યુટીમાં નોકરી કરતા કર્મચારીઓને સાંજે અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે ઘણી વખત ફ્લાઇટ કે નોનસેડ્યુલ ફ્લાઈટ નું ઓપરેશન હોય ત્યારે રાજકોટ પરત આવવાનું મુશ્કેલ થઈ જતું હોય છે. એસટી ની છેલ્લી બસ પણ આઠ વાગ્યે નીકળી જતી હોય છે અને એરપોર્ટ 8:30 વાગ્યે બંધ થાય છે આથી આ બસ પણ અમે ચૂકી જતા હોય છે. નવા ટર્મિનલ શરૂ થાય અને ફ્લાઈટ ની સંખ્યા પણ વધે તે પહેલા અમને બસની સુવિધા ફાળવવામાં આવે તેવી રાજકોટ એરપોર્ટના કર્મચારીઓએ ઓથોરિટીના જનરલ સેક્રેટરી સમક્ષ પ્રબળ રજૂઆત કરી છે