રેલનગર બ્રિજ સોમવારે ખુલ્લો નહીં મુકાય: વધુ એક મુદ્દત
મનપા કોઈ કામ શરૂ કરે’ને સમયસર પૂરું થાય એવું બન્યું છે ક્યારેય ?
૯૦ હજારથી વધુ લોકોએ બે મહિના સુધી દરરોજ કરવી પડી રહી છે વધારાની ૩ કિ.મી.ની પ્રદક્ષિણા': બ્રિજમાંથી નીકળતું
ભેદી’ પાણી અટકાવવા તેમજ તેના નિકાલ માટે ૫૬ લાખના ખર્ચે બે મહિનાથી ચાલી રહ્યું છે કામ: ૨૭ નવેમ્બરે ખુલ્લો મુકાનારો બ્રિજ હવે ૧૧ ડિસેમ્બરથી શરૂ થશે
મહાપાલિકા દ્વારા લોકોને પડતી અગવડતા દૂર કરવા માટે કોઈ કામ શરૂ કરવામાં આવે અને જો તે સમયસર પૂર્ણ થઈ જાય તેવું આજ સુધી ક્યારેય બન્યું નથી અને કદાચ બનવાની સંભાવના પણ નહીંવત્ છે ! સમયસર કામ પૂર્ણ કરવાનો ખરાબ `ટે્રકરેકોર્ડ’ ધરાવતી મહાપાલિકાએ રેલનગર બ્રિજના રિપેરિંગમાં પણ શહેરીજનોને રાહ જોવડાવવાનું નક્કી કરી લીધું હોય તેવી રીતે ફરી પૂર્વવત કરવા માટે ૧૪ દિવસનો વિલંબ કર્યો છે. હવે આ બ્રિજ લોકોના ઉપયોગ માટે ૧૧ ડિસેમ્બરથી શરૂ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
રેલનગર અન્ડરબ્રિજ કે જ્યાંથી દરરોજ ૯૦,૦૦૦ જેટલા વાહન ચાલકો અવર-જવર કરે છે ત્યાં વિના વરસાદે પણ ત્રણથી ચાર ઈંચ જેટલું પાણી ભરાયેલું જ રહેતું હોય આખરે આ પાણી ક્યાંથી આવી રહ્યું છે અને તેનો નિકાલ કેવી રીતે કરવો તે સહિતના માટે મહાપાલિકાએ બ્રિજના રિપેરિંગનો નિર્ણય લીધો હતો. આ પછી ૨૭ સપ્ટેમ્બર (આમ તો ૪ ઑક્ટોબરે કામનું ખાતમુહૂર્ત કરાયું હતું)થી રિપેરિંગ કામે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બ્રિજમાં ઘણી બધી મરામતની જરૂર હોય બે મહિના માટે તેને બંધ કરી ૫૬ લાખ રૂપિયાના ખર્ચે રિપેરિંગ કર્યા બાદ ૨૭ નવેમ્બરે તેને ચાલું કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હજુ ફાઈનલ ટચિંગ બાકી હોવાથી બ્રિજને ૨૭ નવેમ્બર નહીં બલ્કે ૧૧ ડિસેમ્બરથી શરૂ કરવાનું જાહેર કરાયું છે ત્યારે ત્યાં સુધીમાં બ્રિજ શરૂ થાય છે કે કેમ તે જોવું રસપ્રદ બની રહેશે.
બ્રિજ બે મહિનાથી બંધ હોવાને કારણે રેલનગરમાં રહેતા અંદાજે ૯૦ હજાર જેટલા લોકોએ દરરોજ વધારાના ત્રણ કિલોમીટરની પ્રદક્ષિણા કરીને ઘેર પહોંચવું પડી રહ્યું હોવાથી હવે લોકો તોબા પોકારી ગયા છે.
પાણી આવતું નહીં અટકે, બ્રિજમાં પડ્યું નહીં રહે
આ અંગે મહાપાલિકાના સિટી ઈજનેર એચ.એમ.કોટકનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે `વોઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૧૧ ડિસેમ્બરથી બ્રિજ શરૂ થઈ જશે. બ્રિજ ૨૭ નવેમ્બરથી શરૂ થવાનો હતો ત્યારે હવે ૧૧ ડિસેમ્બરથી શા માટે શરૂ થશે તેવા પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું કે કામ પૂર્ણ થઈ ગયું છે પરંતુ કોંક્રિટના કેયરિંગ (જાળવણી)ને ૧૫થી ૨૦ દિવસનો સમય લાગી જતો હોવાથી બ્રિજ ૧૧ ડિસેમ્બરથી શરૂ થશે. અત્યારે બ્રિજમાં કલરકામ ચાલી રહ્યાનું ઉમેરી તેમણે કહ્યું કે રિપેરિંગ કામ થયા બાદ બ્રિજમાં પાણી નીકળતું કે આવતું નહીં અટકે પરંતુ બ્રિજમાં પડ્યું નહીં રહે તે વાત નિશ્ચિત છે.
પાણી નીકળતું ન અટકાવી શકાય તો પછી વોટરપ્રુફિંગનો મતલબ શું ?
સિટી ઈજનેર એચ.એમ.કોટકે ભારપૂર્વક જણાવ્યું કે બ્રિજમાં પાણી આવતું નહીં અટકાવી શકાય પરંતુ બ્રિજમાં આવતું પાણી પડ્યું ન રહે તેવું રિપેરિંગ કરવામાં આવ્યું છે ત્યારે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પાણી નીકળતું કે આવતું અટકાવી ન શકાય તો પછી ૫૬ લાખના ખર્ચે કરવામાં આવેલા વોટરપ્રુફિંગનો મતલબ શું રહેશે ? આ ઉપરાંત શા માટે બ્રિજમાં આવતાં પાણીનો નિકાલ બારોબાર થઈ જાય તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ?