યુદ્ધ વિરામ ના બીજા દિવસે વધુ ચૌદ બંધકોની મુક્તિ
હમાસે બંધકોની રેડક્રોસ ને સોંપણી કરી
ઇઝરાયલે 39 પેલેસ્ટે લનીયન કેદી ને છોડ્યા.
50 બંધકોને મુક્ત કરવાની શરતે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા ચાર દિવસીય યુદ્ધ વિરામના બીજા દિવસે શનિવારે હમાસે વધુ 14 બંધકોને મુક્ત કર્યા હતા. આ સમજૂતી અનુસાર ઇઝરાયેલ પણ 150 પેલેસ્ટેનિયન કેદીઓને મુક્ત કરવા માટે સંમત થયું છે.
આ અગાઉ યુદ્ધ વિરામના પ્રથમ દિવસે શુક્રવારે હમાસે ઇઝરાયેલના 13 નાગરિકો ઉપરાંત થાઈલેન્ડના 13 અને ફિલિપાઇન્સના એક બંધકને મુક્ત કર્યા હતા. બંધન મુક્ત થયેલા 13 ઈઝરાયેલી નાગરિકોમાં ત્રણ બાળકો, ત્રણ માતાઓ અને સાત વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે.
શુક્રવારે ઇઝરાયલે પણ તેની કેદમાં રહેલા 39 મહિલા અને બાળકોને છોડી મૂક્યા હતા. તેમાં બે બાળાઓ સહિત 24 મહિલાઓ અને 15 સગીર વયના બાળકોનો સમાવેશ થાય છે.
પ્રથમ દિવસે બંધક મુક્તિ અને યુદ્ધ વિરામની અન્ય શરતોનું સંતોષજનક રીતે પાલન થયા બાદ આ યુદ્ધ વિરામ લંબાવવાની સંભાવનાઓ નજરે પડી રહી છે. શનિવારે હમાસે ચૌદ બંધકોને મુક્ત કર્યા તેની સામે ઇઝરાયલ 42 કેદીઓને મુક્ત કરવા સંમત થયું હતું અને તેની યાદી પણ હમાસને સોંપી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મૂળ સમજુતી મુજબ ઇઝરાયેલ 150 કેદીઓને મુક્ત કરવા તૈયાર થયું છે પણ સૂત્રોના જણાવ્યા મુજબ ઇઝરાયલે 300 કેદીઓની યાદી તૈયાર રાખી છે. જો હમાસ દ્વારા વધુ બંધકોને છોડવામાં આવે અને યુદ્ધ વિરામ લંબાય તો આ કેદીઓને મુક્ત કરવામાં આવશે.
વેસ્ટ બેંકમાં હમાસનો આતંક
એક તરફ યુદ્ધ વિરામ અને બંધકો કેદીઓની મુક્તિ શરૂ થઈ છે ત્યારે વેસ્ટ બેંકમાં હમાસના લડાકુઓએ ત્રણ પેલેસટેનિયન નાગરિકોને ઇઝરાયેલ વતી જાસુસી કરવા બદલ મારી નાખ્યા હતા. હમાસના ફાયરિંગ સ્કવોડ દ્વારા તુલકરામ ગામમાં બે અને જેનીનમાં એક પેલેસ્ટેનિયન નાગરિકને ગોળી એ દેવાયા હતા. બાદમાં તમામ ના મૃતદેહો વીજ થાંભલા પર લટકાવવામાં આવ્યા હતા.