ગોંડલના ભોજપરા ગામે ખાદ્યતેલમાં ભેળસેળ કરવાનું રેકેટ ઝડપાયું
પોલીસે ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી મુરલીધર પ્રોટીન્સમાં છાપો માર્યો
સૌરાષ્ટ્રમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ભેળસેળિયા તત્વો સામે ચાલી રહેલી ઝૂંબેશમાં રૂરલ એસઓજીને મળેલી બાતમીના આધારે ફૂડ સેફ્ટી ઓફિસર અને ઔષધ નિયમન તંત્રને સાથે રાખી ગોંડલના કારખાનામાં છાપો મારી ભેળસેળ યુક્ત ૩૦૦૦ કિલો તેલનો જથ્થો જપ્ત કરી સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ ગોંડલના ભોજપરા ગામની સીમમાં આવેલ મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામાં ખાદ્યતેલમાં મોટાપાયે ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાની માહિતી મળી હતી.
આ પણ વાંચો: રાજકોટ-લોધીકા સંઘની ચૂંટણી જંગમાં પ્રશાંત કોરાટની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું
ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસે ફૂડ સેફ્ટી ઓફિસર અને રાજકોટ ઔષધ નિયમન તંત્રના સ્ટાફને સાથે રાખી મુરલીધર પ્રોટીન્સમાં છાપો મારતા સન ગોલ્ડ સનફ્લાવર તેલ, કિંગ સનફ્લાવર તેલ, મહારાણી કપાસિયા તેલ અને સોયાબિન તેલમાં ભેળસેળ કરતાં હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે કારખાનામાંથી ૨૯૯૫ કિલો ગ્રામ ખાદ્યતેલનો જથ્થો જપ્ત કરી સંચાલક જયદેવ પ્રભાતભાઈ ડાંગર (ઉ.વ.૨૬, રહે.મોટા દડવા, ગોંડલવાળા) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
