બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સંઘર્ષના દિવસો યાદ કરી ભાવુક બન્યા
કહ્યું, એ જ વિશેષતાઓ આજે બની ઓળખ
હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સહન કરેલા નકાર અને આકરી ટીકાના પ્રસંગો યાદ કર્યા છે. કૌન બનેગા કરોડપતિના એક એપિસોડમાં તેમણે જણાવ્યું કે ફિલ્મ ઉદ્યોગમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરતા ત્યારે લોકો કહેતા કે તેમને અભિનય આવડતો નથી અને તેમની ઊંચાઈ અભિનેતા બનવા માટે યોગ્ય નથી. કેટલાકે તો તમે ખૂબ લાંબા છો, ઘરે પાછા જાઓ એમ પણ કહ્યું હતું.
કામ મળ્યા પછી પણ મુશ્કેલીઓ ઓછી થઈ નહોતી. સંવાદ બોલવાની રીત અને અભિનય માટે તેમને સતત ટોકવામાં આવતા, પરંતુ તેમણે ટીકાને શીખવાની તક બનાવી પોતાના અભિનયમાં સુધારો કર્યો. એક વખત વાહનની સુવિધા ન હોવાથી તેઓ શૂટિગમાં મોડા પહોંચ્યા ત્યારે શૂટિગ પૂર્ણ થઈ ગયું હતું અને દિગ્દર્શકે તેમને પરત મોકલી દીધા હતા.
આ પણ વાંચો: ગોંડલના ભોજપરા ગામે ખાદ્યતેલમાં ભેળસેળ કરવાનું રેકેટ ઝડપાયું
અભિનય પહેલાં તેમણે રેડિયોમાં ન્યૂઝ રીડર બનવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો અવાજ અયોગ્ય ગણાયો હતો. ૧૯૬૯માં સાત હિન્દુસ્તાનીથી શરૂઆત કર્યા બાદ ઝંજીરએ તેમની કારકિર્દી બદલી નાખી. ત્યારબાદ દીવાર, શોલે, ડોન અને અગ્નિપથ જેવી ફિલ્મોએ તેમને સુપરસ્ટાર બનાવ્યા.
