11 દિવસથી આંદોલન, કેન્સરથી 11ના મોત છતાં તંત્ર મૌન; હવે ધોળકામાં ભાજપ MLAને ઘેરવાની ચીમકી
ગુજરાતના ધોળકા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતો દ્વારા એક ગંભીર સમસ્યા સામે અનોખી અને ઉગ્ર લડત ચલાવવામાં આવી રહી છે. ઔદ્યોગિક પ્રદૂષણ અને કેમિકલયુક્ત પાણીના ત્રાસથી ત્રાહિમામ પોકારેલા ગ્રામજનોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે.
ધોળકાના પાંચ ગામોમાં કેમિકલયુક્ત પાણી સામે ઉગ્ર આંદોલન
ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાસદ, નેસડા અને પાલડી સહિતના પાંચ ગામોના ખેડૂતો અને સ્થાનિક નાગરિકો છેલ્લા 11 દિવસથી દૂષિત તથા ઝેરી કેમિકલયુક્ત પાણીના નિકાલ સામે આક્રમક આંદોલન ચલાવી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યાનો કોઈ હલ ન આવતા હવે લોકોની ધીરજ ખૂટી રહી છે અને તેઓ રસ્તા પર ઉતરીને ન્યાયની માંગ કરી રહ્યા છે.
ગંભીર આરોપો અને સ્વાસ્થ્ય પર જોખમ
સ્થાનિક લોકોના ગંભીર આક્ષેપ મુજબ, છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી નગરપાલિકાનું ગંદુ પાણી અને ખાનગી ઉદ્યોગોનું કેમિકલયુક્ત ઝેરી પાણી ખુલ્લામાં છોડવામાં આવી રહ્યું છે. આ ઝેરી પાણી ભૂગર્ભ જળમાં ભળવાથી હજારો એકર જમીન બરબાદ થઈ ગઈ છે અને પીવાના બોરનું પાણી પણ સંપૂર્ણપણે દૂષિત થઈ ચૂક્યું છે. આ વિસ્તારમાં કેન્સર અને ચામડીના ભયાનક રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 11થી વધુ લોકોના કેન્સરથી મોત થયા હોવાનો અને 50થી વધુ એક્ટિવ કેસ હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે.
આ પણ વાંચો: ટ્રમ્પના નિવેદનથી શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી ધડામ
ધારાસભ્યના ઘરે ટેન્કરો ઠાલવવાની ચીમકી
તંત્ર કે જવાબદાર પક્ષના નેતાઓના પેટનું પાણી ન હલતા, આંદોલનના 11મા દિવસે રોષે ભરાયેલા ગ્રામજનોએ આક્રમક ચીમકી ઉચ્ચારી છે. જો કેમિકલયુક્ત પાણીના કાયમી નિકાલની સમસ્યાનો તાકીદે ઉકેલ નહીં આવે, તો ધોળકા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના નિવાસ્થાને અને નગરપાલિકાની કચેરીમાં ટેન્કરો મારફતે આ ગંદુ પાણી ઠાલવવામાં આવશે. આ પ્રકારના વિરોધ પ્રદર્શનથી રાજ્યમાં સત્તાધારી પક્ષના નેતાઓ સામે દેખાવ કરવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
તંત્રની લાલ આંખ: 5 કંપનીઓને નોટિસ
સ્થતોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. ધોળકામાં પ્રદૂષણ ફેલાવતી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, કોનકાર્ડ બાયોટેક, જીમાં ટેક્સ, ધરમચંદ અલ્ટ્રા કેમ અને વાસા ફાર્મા સહિતની પાંચ કુખ્યાત કંપનીઓને રૂબરૂમાં નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામ એકમોને નિયત તારીખ સુધીમાં પોતાના બચાવમાં જરૂરી પુરાવા રજૂ કરવા તાકીદ કરાઈ છે, અને જો કસૂરવાર જણાશે તો કાનૂની જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
ધોળકાના આ પાંચ ગામોની લડત માત્ર એક સ્થાનિક સમસ્યા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે પર્યાવરણ અને જનસ્વાસ્થ્ય પ્રત્યે સરકારી તેમજ પ્રશાસનિટ બેદરકારી સામેનો મોટો પડકાર બની ગઈ છે. જ્યાં સુધી દૂષિત પાણીના પ્રશ્નનો કાયમી અને સંતોષકારક ઉકેલ નહીં આવે, ત્યાં સુધી ગ્રામજનોનો આ રોષ શાંત પડે તેમ લાગતું નથી. આ ઘટના આગામી સમયમાં જનપ્રતિનિધિઓ અને પ્રશાસન માટે મોટી ચેતવણી સાબિત થઈ શકે છે.
