બહુમાળી ભવનમાં ઘૂસણખોરી ! ખાનગી દુકાન શરૂ
વર્ષોથી કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન અંગે બહુમાળી ભવનનું મેઇન્ટેનન્સ સંભાળતો માર્ગ અને મકાન વિભાગ પણ અજાણ
શહેરની સરકારી જમીનોમાં દબાણ થાય તે તો માની શકાય પરંતુ જ્યાં એક નહીં અનેક સરકારી વિભાગો બેસે છે તેવા બહુમાળી ભવનમાં ઘુષણખોરી થાય તે તો અત્યંત ગંભીર બાબત છે, રાજકોટના બહુમાળી ભવનમાં વર્ષોથી સરકારી જગ્યા ઉપરાંત સરકારી વીજળીનો ઉપયોગ ખાનગી વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યો ચેહ અહીં આ મહાશયે કોપ્યુટર રીપેરીંગની દુકાન ખોલી નાખી તમામ કચેરીઓના કોમ્પ્યુટર રીપેર કરી ધીકતી કમાણી કરી રહ્યો છે છતાં પણ બહુમાળી ભવનની મેઇન્ટેનન્સની કામગીરી સાંભળતા માર્ગ અને મકાન વિભાગને પણ આ બાબતની જાણ ન હોવાનું સામે આવ્યું છે.
શહેરના રેષકોર્ષ સામે આવેલ જિલ્લા સેવા સદન એટલે કે બહુમાળી ભવનમાં જીએસટી, સિંચાઈ, ભૂસ્તરશાસ્ત્રી, ક્ષાર નિયંત્રણ, જિલ્લા રજિસ્ટ્રાર, એસબીઆઈ બેન્ક, સમાજ સુરક્ષા, વન વિભાગ, શ્રમ રોજગાર, ઔધોગિક સલામતી, રમત-ગમત સહિતની 40થી 50 જેટલી વિવિધ સરકારીઓ કચેરીઓ અહીં બેસે છે, સ્વાભાવિક રીતે જ સરકારી સંકુલમાં સરકારી કચેરીઓ જ બેસતી હોય ત્યારે અહીં પાંચમા માળે આવેલી સામાજિક વનીકરણ કચેરીમાં એક ખાનગી કોમ્યુટર રીપેરીંગની ઓફિસ પણ અહીં વર્ષોથી ધમધમી રહી છે.
જો કે, ભહુમાળી ભવનમાં કોઈપણ સરકારી કચેરીને જગ્યા માત્રને માત્ર માર્ગ અને મકાન વિભાગના અધિકારી જ ફાળવી શકતા હોવા છતાં સરકારી સંકુલમાં એક બે વર્ષ નહીં પરંતુ એથી પણ લાંબા સમયથી અહીં ખાનગી વ્યક્તિ દ્વારા તમામ કચેરીઓના કોમ્યુટર રીપેરીંગ કરવા માટે સરકારી જગ્યા ઉપર પગદંડો જમાવવામાં આવ્યો છે અને મહિને કોઈ વિભાગને તગડું ભાડું પણ ચૂકવી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બીજી તરફ સરકારી જગ્યામાં ઘુષણખોરી મામલે રાજકોટ બહુમાળી ભવનમાં મેઇન્ટેનન્સ કામગીરી સાંભળતા માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારી જોશીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, અમને આ બાબતની જાણ થઇ છે અને ક્યાં વિભાગે અહીં ખાનગી માણસને બેસાડ્યો છે તે મામલે અગાઉ રમત ગમત વિભાગ અને ક્ષાર નિયંત્રણ વિભાગને સાથે રાખી તપાસ કરી હોવાનું તેમજ તે જગ્યાની માપણી પણ કરી હોવાનું તેમને જણાવ્યું હતું. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે સરકારી કચેરીમાં ખુલ્લે આમ ઘૂસણખોરી છતાં પણ સરકારી બાબુઓ ખાનગી વ્યક્તિને ખદેડી મુકવાને બદલે તપાસના દૌર ચલાવી રહ્યા છે જે શંકાસ્પદ બાબત હોવાનું જણાઈ રહ્યું છે.