રાજકોટનાં 47 કેન્દ્રો પર લેવાશે ગુજકેટની પરીક્ષા
23મી માર્ચે યોજાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટને લઈ શિક્ષણ અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ:પ્રતિબંધાત્મક આદેશો જાહેર
એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાથી ગુજકેટ ની પરીક્ષા 23 માર્ચના રોજ યોજનાર છે, રાજકોટના 47 કેન્દ્ર પર આ પરીક્ષા લેવાશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ૨૩ માર્ચ, ૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાકથી સાંજના ૦૪ કલાક સુધી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પરીક્ષા રાજકોટ શહેરમાં વિવિધ શાળાઓ-કોલેજો ખાતે કુલ ૪૭ કેન્દ્રોમાં યોજાશે. આ પરીક્ષા શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
જે મુજબ તા. ૨૩ માર્ચએ સવારે ૦૮ કલાકથી સાંજે ૦૫ કલાક દરમિયાન પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકોને ઝેરોક્ષ મશીન ચાલુ રાખવાની મનાઈ છે. શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહીં કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ના કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે અને સબંધિતોએ ઓળખકાર્ડ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.