વીજલાઇનના મુદ્દે આંદોલનના હવે વળતા પાણી; મોરબી-જામનગરના ખેડૂતોએ વળતર સ્વીકાર્યું
વીજટાવર ઉપરાંત વધારાના ૧ મીટર જમીનનું પણ વળતર ચૂકવાયું
૭ દિવસમાં ખાનગી વીજ કંપનીને ખેડૂતોને વળતર ચૂકવવા કલેક્ટરનો આદેશ
મોરબી સહિતના જિલ્લાઓમાંથી હેવી વીજલાઈન પસાર થતી હોય જેના વળતરના મુદ્દે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી આંદોલન કર્યા બાદ હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેમ લાગી રહ્યું છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકાના આધારે મોરબી જિલ્લાના ત્રણ ગામડા અને જામનગર જિલ્લાના એક ગામની માર્કેટ રેટ કમિટીની બેઠક મળી હતી જેમાં જંત્રી કરતા ૩૦૦થી ૬૦૦ ગણું વળતર મંજૂર થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ સહિતના જિલ્લામાંથી હેવી વીજલાઈન પસાર થતી હોય જેના ટાવર ખેતરમાં ઉભા કરવાના વિરોધમાં મોરબીના જેતપર ખાતે ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરી જમીનની બજાર કિંમતકરતાં ૪ ગણું વળતર આપવા માંગ કરી હતી.
રાજ્ય સરકારે ખેડૂત આંદોલનને ધ્યાને લઈને નવો પરિપત્ર તા.૪-૭-૨૬ના રોજ બહાર પાડ્યો હતો જેમાં વીજટાવર, વીજલાઈનનું વળતર માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી જેમાં વીજટાવર વિસ્તાર ઉપરાંત એક મીટર વધુ જગ્યા ગણી જમીનના બજાર ભાવ કરતાં બે ગણું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.એટલું જ નહીં રાજ્ય સરકારે માર્કેટ રેટ નક્કી કરવા કમિટી બનાવી હતી જેમાં ખેડૂતનો વેલ્યુસર, કલેક્ટરનો વેલ્યુસર અને ખાનગી વીજ કંપનીનો વેલ્યુસર જે તે ગામની જમીનની બજાર કિંમત નક્કી કર્યા બાદ તેના આધારે વળતર મંજૂર કરવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: પાણીના ખાબોચિયામાં પડેલા ખુલ્લા વીજ વાયરે બાળકનો ભોગ લીધો
ખેડૂતોની રજૂઆત બાદ હવે આંદોલનનો સુખદ અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જામનગરના લાલપુર તાલુકાના કાનવીરડી ગામનું વળતર નક્કી કરવા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કમિટીની બેઠક મળી હતી જેમાં અગાઉ પ્રતિ ચોરસ જમીનના ૪૩ રૂપિયા લેખે ૪.૩૭ લાખ વળતર ખેડૂતોને મળતું હતું તેના બદલે હવે પ્રતિત ચોરસ જમીનનો ભાવ ૮૮૫ મંજૂર કરી વળતર પેટે ૩૦૦થી ૬૦૦ ગણું વળતર મંજૂર કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતને ૨૪.૩૩ લાખ વળતર નક્કી થયું છે.
આ ઉપરાંત મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નીલ ખરેના અધ્યક્ષસ્થશને એમઆરસી કમિટીની મળેલી બેઠકમાં હળવદ તાલુકાના રાણેકપર ગામે અગાઉ ૧૩.૫૦ લાખ વળતર મળતું હતું તેના બદલે પાંચગણું વળતર મંજૂર કરી હવે ૬૯ લાખ વળતર મળશે.
આ જ રીતે વાંકાનેર તાલુકાના ઘીયાવડ અને હોલમઢ ગામે અગાઉ ૧૩.૫૦ લાખ વળતર મળતું હતું તેના બદલે બજાર ભાવ કરતાં ચારગણું વળતર મંજૂર કરી હવે ૫૦થી ૫૫ લાખ વળતર ખેડૂતાને મળશે. સરકારની જોગવાઈ મુજબ બંધ કવરમાં વેલ્યુઅરના ભાવ મેળવવામાં આવ્યા હતા અને ખેડૂતોની હાજરીમાં બે કવર ખોલી જમીનના ભાવ નક્કી કરાયા હતા તેમજ મંજૂર થયેલ વળતરની રકમ ૭ દિવસમાં ખેડૂતોને ચેકવી આપવા માટે ખાનગી વીજ કંપનીને કલેક્ટરે આદેશ આપ્યો છે.
અસરગ્રસ્ત ખેડૂતોને પોતાના પ્રતિનિધિ નક્કી કરવા અપીલ
ખાનગી વીજ કંપની સામે વળતરના મુદ્દે લાંબા સમયથી ચાલતા ખેડૂતના આંદોલનમાં હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું હાય તેમ લાગી રહ્યું છે જેમાં મોરબી અને જામનગર જિલ્લાના ચાર ગામના ખેડૂતોને ૩થી ૬ ગણું વલતર મંજૂર કરવામાં આવ્યું છે એટલું જ નહીં ખાનગી વીજ કંપનીને ૭ દિવસમાં ખેડૂતના ખાતામાં વળતર જમા કરાવ્યા બાદ જ કામ શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે ત્યારે બાકીના અસરગ્રસ્ત ખેડૂતોને પોતાના વેલ્યુઅર અને પ્રતિનિધિની નિમણૂંક કરી માર્કેટ રેટ કમિટીમાં જોડાવવા કલેક્ટરે અપીલ કરી છે.
