રાજકોટમાં ભવ્ય ‘તિરંગા યાત્રા 2026’ સંપન્ન: 20 હજારથી વધુ લોકો જોડાયા, મંત્રીઓની ગેરહાજરી ચર્ચાના કેન્દ્રમાં
રાજકોટ: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ સવારે 09:00 કલાકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે “તિરંગા યાત્રા 2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રપ્રેમી યાત્રામાં 20,000 થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા, પરંતુ મંચ પર મંત્રીઓની ગેરહાજરી અને અધિકારીઓનો દબદબો રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો.
તિરંગા યાત્રાનો રૂટ અને ભવ્ય માહોલ
આ તિરંગા યાત્રા બહુમાળી ભવન ચોકથી પ્રસ્થાન થઈને જ્યુબિલી ગાર્ડન ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચી હતી.
આકર્ષણો: 1 કિલોમીટરના આ રૂટ પર 9 જેટલા વિશેષ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા.
સાંસ્કૃતિક પ્રસ્તુતિ: કલાકારો દ્વારા ગુજરાતની લોકસંસ્કૃતિ, ક્લાસિકલ નૃત્ય, ગણેશ વંદના, મિશ્ર રાસ, હુડો રાસ, ડાંગી નૃત્ય, કઠપૂતળી અને રાજસ્થાની નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.
વિશેષ આકર્ષણ: સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં સજ્જ પાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત, શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, NCC અને NSSના કેડેટ્સ અને સામાજિક સંસ્થાઓ જોડાવાથી અદ્ભુત દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: MCX પર સોના-ચાંદીના ભાવ ગગડ્યા, ડોલર અને બોન્ડ યીલ્ડ બન્યા મુખ્ય કારણ
નેતાઓને બદલે અધિકારીઓનો રહ્યો દબદબો
આજની તિરંગા યાત્રાના મંચ પર રાજકીય ચહેરાઓ કરતાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ વિશેષ રહી હતી. પ્રથમ હરોળમાં નીચે મુજબના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા:
નિર્લિપ્ત રાય (રાજકોટ રેન્જ IG)
બ્રજેશકુમાર ઝા (પોલીસ કમિશ્નર)
ચૈતન્ય માંડલિક (JCP)
ઓમ પ્રકાશ (કલેક્ટર)
તુષાર સુમેરા (મ્યુનિસિપલ કમિશનર)
ઉત્પલ જોશી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ)
રાજકીય અગ્રણીઓમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરીયા, ગોવિંદ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા અને એકસાથે પાંચ પૂર્વ મેયર હાજર રહ્યા હતા. જોકે, ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ભરત બોધરાની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બની હતી.
મંત્રીઓની ગેરહાજરી પર મેયરનો ખુલાસો
રાજ્ય સરકારના એક પણ મંત્રી કે પ્રભારી મંત્રી જીતુ વાઘાણી આ કાર્યક્રમમાં હાજર નહીં રહેતા રાજકોટની નેતાગીરી સામે સવાલો ઊભા થયા હતા. આ અંગે સ્પષ્ટતા કરતા મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે:
“પ્રદેશ કક્ષાના નેતાઓનું આવવાનું કોઈ આયોજન પહેલેથી હતું જ નહીં, કારણ કે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી યાત્રાઓ ચાલી રહી છે જેથી બધા પોતપોતાના વિસ્તારમાં વ્યસ્ત છે. આમંત્રણ પત્રિકામાં માત્ર પરંપરા મુજબ પ્રભારી મંત્રી જીતુ વાઘાણીનું નામ રાખવામાં આવ્યું હતું, પરંતુ સમયના અભાવે તેઓ આવી શકે તેમ ન હોવાની વાત પહેલેથી જ સ્પષ્ટ હતી.”
મેયરે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાકલ બાદ સતત 5મા વર્ષે કોર્પોરેશન દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સ્વચ્છતાના શપથ અને માઇક્રો પ્લાનિંગ
કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી મેયર ડો. નેહલ શુક્લે ઉપસ્થિત જનમેદનીને કચરો આડેધડ નહીં ફેંકવાના શપથ લેવડાવ્યા હતા. તિરંગા યાત્રા દરમિયાન રસ્તા પર ઝીણો કચરો પણ થાય નહીં તે પ્રકારનું ખાસ માઇક્રો પ્લાનિંગ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જે સરાહનીય પગલું રહ્યું હતું.
