આપણી વિરાસત પરત માંગવી તેમાંકાંઈ ખોટું નથી: યોગી આદિત્યનાથ
આ દેશ મુસ્લિમ લીગની માનસિકતાથી નહી ચાલે
મંદિર મસ્જિદ વિવાદ અંગે મોટું નિવેદન
મંદિર મસ્જિદ વિવાદ અંગે ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે આપણી વિરાસત પરત માંગવી તેમાં કાંઈ ખોટું કે ખરાબ નથી.એક ન્યુઝ ચેનલ દ્વારા આયોજિત ધર્મ સંસદમાં તેમણે સમાજને જ્ઞાતિ, જાતિના આધારે વિભાજિત કરતા તત્વોને ઝેરીલા સાપ ગણાવ્યા હતા.
તેમણે કહ્યું કે સંભલમાં સનાતન ના પુરાવા મળ્યા છે.પુરાણમાં તેને કલ્કિ અવતારનું જન્મ સ્થળ ગણાવવામાં આવ્યું છે.હરિહર મંદિર 1596 માં તોડીને તેની ઉપર શાહી મસ્જિદ બનાવવામાં આવી છે.આઈના એ અકબર પુસ્તકમાં પણ એ ઉલ્લેખ હોવાનો તેમણે દાવો કરતાં કહ્યું કે આપણી વિરાસત પરત માંગવામાં કાંઈ ખોટું નથી.આ દેશ મુસ્લિમ લીગની માન્યતા મુજબ નહી ચાલે.
મહાકુંભ મેળો વકફની જમીન ઉપર યોજાઈ રહ્યો હોવાના દાવાની ઝાટકણી કાઢી તેમણે વકફ બોર્ડને માફિયાઓનું બોર્ડ ગણાવ્યું હતું અને વકફ હેઠળની મિલકતોની તપાસ કરી મૂળ માલિકને શોધી કાઢવાની ખાતરી આપી હતી.
ભારતમાં રહેવું હોય તો ભારતની આસ્થાનું સન્માન કરવું પડશે
યોગી આદિત્યનાથે કહ્યું કે કોઈ વ્યક્તિ યુરોપ કે અમેરિકામાં જઈને ક્રિસમસની ઉજવણી અંગે કે કોઈ વ્યક્તિ મુસ્લિમ રાષ્ટ્રમાં જઈને ઇસ્લામની ટીકા કરી શકશે? પણ ભારતમાં જેને ઠીક લાગે તે ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાની ઠેકડી ઉડાવ્યે રાખે છે.એવા તત્વોને ચેતવણી આપતાં તેમણે કહ્યું કે ભારતમાં રહેવું હોય તો ભારતીય આસ્થાનું સન્માન કરવું પડશે. તેમણે કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાન સમયે બધાને આમંત્રણ આપવામાં આવ્યા હતા પણ વોટ બેંકની રાજનીતિને કારણે કેટલાક લોકો નતા આવ્યા. એ બધાને સનાતનની નહિ પણ મત બેંકની ચિંતા છે એવી ટિપ્પણી તેમણે કરી હતી.
ભારતને સાચો ભય અંદરના લોકો તરફથી જ છે.
યોગી આદિત્યનાથે સરદાર વલ્લભભાઈની ટિપ્પણી ને યાદ કરીને કહ્યું કે ભારત બહારના દુશ્મનો સામે તો લડી લેશે પણ સાચો ખતરો તો ઘરના ઘાતકીઓ તરફથી છે.
કોઈનું નામ લીધા વગર તેમણે કહ્યું કે વિદેશમાં જઈને આવા તત્વો ભારત વિશે ઘસાતું બોલે છે.વિપક્ષો પર ગર્ભિત પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે એ લોકો પૂર્વ ભારતમાં જાય તો પશ્ચિમ ભારતની અને દક્ષિણ ભારતમાં જાય તો ઉતર ભારતની બદબોઈ કરે છે.જ્ઞાતિ જાતિ ના ભાગલાની રાજનીતિ કરતાં આ તત્વો ઝેરીલા સાપ છે તેવું તેમણે ઉમેર્યું હતું.