બાળ સંરક્ષણ ગૃહમાં હજુ ચાર બાળકો લાપત્તા
રાજકોટ પોલીસની ૧૩ ટીમો દ્વારા શોધખોળથી સાત હાથ લાગ્યા
ચારનો કોઇ પતો નથી, માસ્ટર માઇન્ડ પણ ફરી પકડાઇ ગયો
બાળકોના વતનથી લઇ ઠેર-ઠેર તપાસ
રાજકોટના ગોંડલ રોડ પર ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહ (ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ)માંથી એક સાથે ૧૧ બાળકો (અલગ-અલગ આરોપમાં આવેલા બાળ આરોપી) રવિવારે એક સાથે રફૂચક્કર (નાસી ગયા) થઈ જવાની ચકચારી ઘટનામાં બે દિવસથી દોડતી શહેરભરની પોલીસને સાત બાળકો હાથ લાગ્યા, હજુ ચાર બાળકો લાપત્તા છે. બાળકોને શોધવા તેમના રહેણાંક ગામ, શહેરથી લઈ ઠેર-ઠેર પોલીસ દોડી રહી છે. બાળકોની શોધમાં અસંખ્ય સીસીટીવી કેમેરા ચકાસી લેવાયા. જો કે પોલીસ તથા ઓબ્ઝર્વેશન હોમના જવાબદારો માટે હાશકારો એ છે કે ફરાર થઈ જવાનો પ્લાન બનાવનાર માસ્ટર માઈન્ડ રાજકોટનો બાળ આરોપી અન્ય બે સાથી સાથે મળી આવ્યો છે.
ઓબ્ઝર્વેશન હોમમાં ચાર દિવસ પહેલાં તા.૧૨ના રોજ રાજકોટનો રહેવાસી કિશોર ચોરીના ગુનામાં બાળ આરોપી તરીકે આવ્યો, અગાઉ પણ અન્ય ગુનામાં આવી ચૂકેલો હોવાથી અંદર રહેલા હત્યા, પોક્સો, લૂંટ જેવા ગંભીર ગુનાના બાળ આરોપીઓ પણ સંપર્કમાં હતા. પાંચ-છ બાળકોએ સાથે મળી માસ્ટર માઈન્ડએ ભાગી જવા માટે પ્લાન બનાવ્યો હતો. પ્રથમ તો અંદર રૂમના સીસીટીવી કેમેરા તોડી નાખ્યા જેથી નાસી ગયાનો ખ્યાલ ન રહે. બધાના શરીર દૂબળા પાતળા હોવાથી બારીની ગ્રીલ (સળિયા) વળી જાય તો ત્યાંથી સરકીને નીકળી શકાય તેવા તુક્કા સાથે બધાએ જોર લગાવી સળિયાને વાળીને નીકળવા માટે ગેપ બનાવી લીધો હતો.
સિક્યુપરટી ગાર્ડનું ધ્યાન ભટકાવવા એક બાળક ઈજા થયાના નામે પાટો બંધાવવા ગયો હતો. એટલી વારમાં સાથે રહેલો બાળક સરકી ગયો તેને શોધવા ગાર્ડ રૂમમાં જતાં એ એક નહીં એક સાથે ૧૧ બાળકો લાપત્તા હતા. ઘટનાને પગલે પોલીસ કમિશનરથી લઈ કલેક્ટર સુધીના ઉચ્ચ અધિકારીઓ પણ બાળ સંરક્ષણ ગૃહ પર દોડી આવ્યા હતા. ૧૧ પૈકી પાકિસ્તાનના વતની બાળ આરોપીને અન્ય ૧૦ સાથે ન લઈ જવા તે બાળ સંરક્ષણ ગૃહ નજીકથી મળી આવ્યો હતો.
શહેર પોલીસની અલગ-અલગ શાખાઓ ઉપરાંત પોલીસ મથકોના સ્ટાફ સાથેની બાળકોને શોધવા માટે ત્વરીત ધોરણે ૧૩ ટીમો બનાવાઈ હતી. સીસીટીવી કેમેરા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ શોધખોળ ઉપરાંત બાળકોના વતનના સ્થળે તપાસના ઘોડા દોડાવાયા હતા જેમાં સુરેન્દ્રનગર, વિરમગામ, બોટાદ, લીંબડી અને કચ્છના નળસરોવરથી છ બાળકો મળી આવ્યા હતા જેને ફરી બાળ સંરક્ષણ ગૃહના હવાલે કરાયા છે.
નાસી છૂટ્યા હતા તે બાળકો પર હત્યા, હત્યાના પ્રયાસ, દુષ્કર્મ, લૂંટ, ચોરી, મારામારી જેવા સંગીન આરોપો લાગેલા છે. સુરેન્દ્રનગર અને લીંબડી પાસેથી ચાર બાળકો જ્યારે એક બોટાદ અને એક કચ્છના નળ સરોવરમાંથી મળી આવ્યો હતો. અન્ય ચાર પણ નજીકના સમયમાં પકડાઈ જવાનો આશાવાદ પોલીસ દ્વારા સેવાઈ રહ્યો છે.
