હાર્ટએટેકથી મેડિકલ કોલેજના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત ચારના મોત
છેલ્લા 48 કલાકમાં રાજકોટમાં 6 લોકોના હદયના ધબકારા બંધ થયા
હાર્ટએટેકથી મૃત્યુ પામવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. કોરોના રોગચાળા બાદ હૃદયરોગના હુમલાના કારણે અચાનક લોકો મૃત્યુ પામવાની ઘટના વધી છે. ગુરુવારે એક દિવસમાં બે વ્યક્તિના મોત બાદ રાજકોટમાં સતત બીજા દિવસે હાર્ટ એટેકના ચાર બનાવો બન્યા હતા જેમાં રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ પોપટપરાના ૨૭ વર્ષના યુવાન અને ગાંધીગ્રામના ભા૨તીનગ૨માં આધેડનું તેમજ પાળ ગામે પ્રૌઢનું હાર્ટએટેકથી મોત થયું હતું.
જામટાવર નજીક રૂડા કચેરી પાસે આવેલા સ્ટાફ ક્વાર્ટરમાં રહેતાં અને પીડીયુ મેડિકલ કોલેજમાં પીએ ટુ ડીન તથા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં મહિપતસિંહ દેવુભા જાદવ (ઉ.વ.૫૫)ના પુત્રના લગ્ન લેવાયા હોય જેથી તે પોતાના મુળ વતન લીંબડીના મઢાદ ગામે ગયા હતાં ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતાં તબીબોએ હાર્ટએટેક આવી ગયાનું જણાવ્યું હતું. જે આંગણેથી આ બાર દિવસ બાદ દિકરાની જાન જોડાવાની છે ત્યાં શોક છવાઈ ગયો હતો.
બીજા બનાવમાં રેલનગર આસ્થા ચોક પાસે ટેનામેન્ટમાં ભાડેથી રહેતો પિતા સાથે પોપટપરામાં ઘર સાથે જ બાબા રામદેવ ડેરી ફાર્મ નામે દૂધનો ધંધો કરતો ભાવેશભાઇ ધીરૂભાઇ ગોહેલ (ઉ.વ.૨૭) નામનો યુવાન ઘરે હતો બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ તેણે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ભાવેશભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો હતો તેણે છ મહિના પહેલા જ લવમેરેજ કર્યા હતાં.
ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ ભારતીનગરમાં રહેતાં અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં રામજીભાઇ વાઘજીભાઇ સોલંકી (ઉ.વ.૪૬) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર રામજીભાઇને સંતાનમાં એક પુત્રી છે.
ચોથા બનાવમાં લોધીકાના પાળ ગામે વાડીમાં રહી ખેત મજૂરી કરતાં મુળ દાહોદના વતની કેશુભાઇ સરતાનભાઇ મોહનીયા (ઉ.વ.૫૧)ને રાતે હાર્ટએટેક આવતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા પરતું તેમનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે.