રાજકોટમાં નકલી સિમેન્ટ વહેચવાનું કૌભાંડ: ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજો ઝડપાયો
જામનગર રોડ ઉપર ચાલતા મીની કારખાનામાં કંપનીના અધિકારીઓનો દરોડો
જામનગર રોડ પર એક વંડામાં મીની કારખાનામાં અલ્ટ્રાટેક સિમેન્ટના માર્કાવાળી નકલી સિમેન્ટ બનાવી વેંચવાના કૌભાંડનો મહારાષ્ટ્રથી આવેલા કંપનીના અધિકારીઓએ એસઓજીને સાથે રાખી દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. આ પ્રકરણમાં એસઓજીએ ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાની ધરપકડ કરી હતી.
રાજકોટમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની બેગમાં નકલી સિમેન્ટ ભરીને અસલીના નામે વેંચાણ થઇ રહ્યું હોવાની માહિતી મહારાષ્ટ્રની ડિટેક્ટિવ કંપનીને મળતા ર્સચિંગ ઓફિસર તરીકે નોકરી કરતા નીતિનભાઇ નારાયણભાઈ ઠાકરે જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં ક્વાર્ટર નં. ૧૪૫૨ની સામે આવેલા એક મોટા વંડામાં દરોડો પાડી એસઓજીને જાણ કરી હતી. વંડામાં તપાસ કરતાં ત્યાં અલ્ટ્રાટેક સિમેન્ટની ખાલી ભરેલી થેલીઓ, સિલાઇ મશીન, ભેળસેળ કરવાના કેમિકલ, રેતી સહિતની ચીજવસ્તુઓ જોવા મળ્યા હતાં.
આ કૌભાંડ ચાલનાર રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે,સોમનાથ સોસાયટી-૩માં રહેતા ભાજપના પૂર્વ નગરસેવલ પ્રવીણભાઈ મારૂના ભત્રીજા પ્રશાંત ચીમનભાઇ મારૂની ધરપકડ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે પ્રશાંત રેતી કપચીનો ધંધો કરવાની સાથે સાથે અલ્ટ્રાટેક કંપનીની સિમેન્ટની થેલીઓમાં ભેળસેળવાળી નકલી હલકી ગુણવત્તાવાળી સિમેન્ટ ભરીને તેને આ કંપનીની સિમેન્ટ હોવાના નામે છુટક બાંધકામ, કડીયા કામ સાથે સંકળાયેલા લોકોને વેંચતો હતો. અસલી સિમેન્ટની પચાસ કિલોની થેલીનો ભાવ રૂ.395 છે જે પ્રશાંત સસ્તામાં નકલી સિમેન્ટ વેંચતો અને એક થેલી દીઠ રૂ. 150 થી રૂ. 200 નફો મેળવતો હતો. વડામાંથી સિમેન્ટ કંપનીની ખાલી તેમજ ભરેલી બેગ તેમજ નકલી સિમેન્ટ ભર્યા બાદ સિલાઇ કરવા માટેના ત્રણ મશીન,વજનકાંટો કુલ રૂા. ૬૧૯૭૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ મામલે કોપીરાઇટ એક્ટ તથા ધી ટ્રેડમાર્ક્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.