પાણી વિતરણ ‘ડચકા’ ખાવા લાગ્યું: ૪ વૉર્ડના ૩.૬૯ લાખ લોકો રહ્યા તરસ્યા
ઢાકી પમ્પીંગ સ્ટેશન પર ઈલેક્ટ્રિક ખામી સર્જાતાં વૉર્ડ નં.૧,૨,૩,૯ અને ૧૦ (પાર્ટ)માં પાણી વિતરણ ખોરવાયું: રિપેરિંગ નહીં થાય તો આજે પણ વિતરણ નહીં થાય: રેલનગર, બજરંગવાડી સહિતના વિસ્તારોમાં દેકારો
રાજકોટમાં આ વર્ષે જોઈએ તેવો વરસાદ પડ્યો નથી આમ છતાં
સૌની યોજના’ મારફતે નર્મદા નીરથી ડેમ ભરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ અમુક ડેમોનું તળિયું દેખાવા લાગ્યું હોય મહાપાલિકા દ્વારા સરકાર પાસે વધુ પાણી મંગાયું છે. આ બધાની વચ્ચે ટેક્નીકલ ખામીઓ સર્જાવા લાગતાં શહેરમાં પાણી વિતરણ `ડચકા’ ખાવા લાગ્યાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.
દરમિયાન ગુરૂવારે વૉર્ડ નં.૧,૨,૩,૯ અને ૧૦ (પાર્ટ)માં પાણી વિતરણ નહીં થતાં અંદાજે ૩.૬૯ લાખ લોકો તરસ્યા રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરોક્ત પાંચેય વૉર્ડમાં ઢાકી પમ્પીંગ સ્ટેશન મારફતે પાણી વિતરણ કરવામાં આવે છે. જો કે ત્યાં ઈલેક્ટ્રિક ફોલ્ટ સર્જાઈ જવાને કારણે પાણી વિતરણ ખોરવાઈ ગયું હતું. તંત્ર દ્વારા અહીં પાણીનું સ્ટોરેજ કરવામાં આવે છે જે પાણીનું વિતરણ કરી દેવાયા બાદ પણ ફોલ્ટ રિપેરિંગ ન થઈ શકવાને લીધે વધુ પાણી વિતરણ થયું ન્હોતું. ફોલ્ટ આવ્યાને ૨૪ કલાક વીતી ગયા છતાં હજુ તે ઠીક ન થઈ શકતા સ્ટોરેજ પાણી ખૂટી પડ્યું હતું અને જો ફોલ્ટ હજુ પણ રિપેર નહીં થાય તો આજે (શુક્રવારે) પણ વિતરણ થાય તેવી શક્યતા ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ફોલ્ટ વહેલી સવારે ૬ વાગ્યે આવ્યો હોવાથી ત્યારબાદ જે જે વૉર્ડમાં પાણી વિતરણ થાય છે ત્યાં બધું ડખ્ખે ચડ્યું હતું.
કયા વૉર્ડની કેટલી વસતી તરસી રહી
વૉર્ડ વસતી
વૉર્ડ નં.૧ ૭૪૨૯૦
વૉર્ડ નં.૨ ૭૦૧૪૩
વૉર્ડ નં.૩ ૭૪૩૩૫
વૉર્ડ નં.૪ ૭૪૫૨૭
વૉર્ડ નં.૧૦ (પાર્ટ) ૭૬૨૭૦
આગોતરી જાણ હોય તો સ્ટારે કરી શકાય, આમાં તો હેરાન થયા !
અચાનક જ પાણી વિતરણ ખોરવાઈ જવાને કારણે રેલનગર, બજરંગવાડી સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થતાં લતાવાસીઓએ રોષપૂર્વક કહ્યું હતું કે સામાન્ય રીતે પાણીકાપ હોય તો તંત્ર દ્વારા એકાદ-બે દિવસ વહેલી જાણ કરી દેવામાં આવતી હોય છે પરંતુ ગુરૂવારે ફોલ્ટને કારણે પાણી વિતરણ ન થતાં અચાનક જ પાણી ન મળવાનું ધ્યાન પર આવતાં લોકોને હેરાનગતિ થવા પામી હતી.