કોટેચા ચોકના સર્કલને અંતે એક મહિનાની અંદર નાનું કરવા નિર્ણય
- સર્કલનો સર્વે કરનારી સુરતની એજન્સી આઠથી દસ દિવસમાં સર્વે પૂર્ણ કરી ૧૦૦ પાનાનો રિપોર્ટ
- મહાપાલિકાને સોંપશે, ત્યારબાદ મ્યુનિ.કમિશનર-પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની બેઠક મળશે
કોટેચા ચોકમાંથી પસાર થનારા વાહનચાલકોએ ૨૦૨૩નું આખું વર્ષ હેરાન-પરેશાન થઈને પસાર કર્યું છે. પ્રજાના અવાજને તંત્ર સુધી પહોંચાડી તેનું સુચારું નિરાકરણ લાવવાની દિશામાં કાર્ય કરી રહેલા વૉઈસ ઑફ ડે'એ કોટેચા ચોકમાં ટ્રાફિક સમસ્યાની નાડ પારખી વ્યવસ્થિત પ્રમાણે ઝુંબેશ ચલાવી હતી જેનો ઉમદા પરિણામ એ આવ્યું છે કે આખરે મહાપાલિકા તંત્ર દ્વારા વધુમાં વધુ એક મહિનાની અંદર કોટેચા ચોકના સર્કલને કોઈ પણ ભોગે નાનું કરી દેવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. એકંદરે હંમેશા પ્રજાનો અવાજ બનતાવૉઈસ ઑફ ડે’એ વધુ એક પરિણામલક્ષી ઝુંબેશને અંજામ આપ્યો છે.
વૉઈસ ઑફ ડે' દ્વારા આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સાથે ચર્ચા કરવામાં આવતાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે કોટેચા ચોકના સર્કલને નાનું કરવા માટે એજન્સીનો સર્વે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ સપ્તાહે સર્વેનો રિપોર્ટ આવી ગયા બાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે આ મુદ્દે બેઠક કરવામાં આવશે અને તેમાં સર્કલ નાનું કર્યા બાદ ટ્રાફિક સંચાલન સુચારું રીતે કઈ રીતે થઈ શકે તે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ પછી સિટી ઈજનેર (સ્પેશ્યલ) અલ્પનાબેન મીત્રાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણેવૉઈસ ઑફ ડે’ને જણાવ્યું હતું કે વધુમાં વધુ ૧૦ દિવસની અંદર સુરતની સર્વેનું કામ કરતી એજન્સી એસ.યુ.વી.એન.ટી દ્વારા ૧૦૦થી વધુ પાનાનો ડિટેઈલ રિપોર્ટ મહાપાલિકાને સોંપવામાં આવશે. એજન્સી દ્વારા કોટેચા ચોક જ નહીં બલ્કે દરેક સર્કલનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તે હવે અંતિમ તબક્કામાં છે. આ રિપોર્ટ મળી ગયા બાદ તેમાં સુચવાયેલા સુધારા પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. એકંદરે કોટેચા ચોકનું સર્કલ નાનું કરવાની તાતી જરૂરિયાત જણાતી હોવાને કારણે મહાપાલિકા દ્વારા એક મહિનાની અંદર સર્કલને નાનું કરવા ઉપરાંત જો ત્યાં રહેલા ફ્લેમિંગોના સ્ટેચ્યુને હટાવવા પડશે તો તેને પણ હટાવી દેવાશે.
સર્કલને નાનું કર્યા બાદ કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ અને મનપા સંયુક્ત રીતે કરશે કામગીરી: કોટેચા ચોક (મીગવિમાન) સર્કલ નાનું કરવા ઉપરાંત ફ્લેમિંગોના સ્ટેચ્યુ હટાવવા કે નહીં તેનો નિર્ણય ૧૦ દિવસમાં લઈ લેવાશે
કોટેચા ચોકનો સર્વે ૫૦ લાખના ચશ્મા પહેરીને કરાયો !
શહેરમાં સૌથી વધુ ટ્રાફિકજામ જ્યાં થાય છે તે કોટેચા ચોકનો સર્વે કરવા માટે સુરતની એજન્સી દ્વારા ૫૦ લાખ રૂપિયાની કિંમતના ચશ્માનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ચશ્મા પહેરીને વ્યક્તિ ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠી હતી અને તેણે ડ્રાઈવરની નજર ક્યાં અને કેવી રીતે હોય છે તેનું નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે અહીંથી પસાર થનારા ચાલકો ટર્ન કેવી રીતે લ્યે છે તે સહિતની બાબતો ચકાસવામાં આવી હતી. આ ચશ્માનો ઉપયોગ મોટાભાગે ડિઝિટલ મેપિંગ માટે કરવામાં આવે છે.
સ્પીડવેલ સર્કલનો સર્વે પૂરો: હોર્ડિંગ બોર્ડ અને ઈલેક્ટ્રિક પોલનું કરવું પડશે સ્થળાંતર
સિટી ઈજનેર (સ્પેશ્યલ) અલ્પનાબેન મિત્રાએ જણાવ્યું કે સ્પીડવેલ સર્કલનો સર્વે પૂરો થઈ ચૂક્યો છે જેના રિપોર્ટ પ્રમાણે અહીં હોર્ડિંગ બોડ તેમજ ઈલેક્ટ્રિક પોલને ખસેડવા પડશે. હવે મહાપાલિકા દ્વારા આ માટે લાગુ એજન્સી સાથે બેઠક કરવામાં આવશે અને તબક્કાવાર બોર્ડ-પોલને સ્થળાંતર કરવામાં આવશે. આ ઉપરાંત લોકો ટેવાઈ શશકે તે માટે બ્લોક, ટીપણાં ગોઠવવા સહિતની વ્યવસ્થા કરાશે.
પોલીસે પણ કોટેચા ચોક સહિતના સર્કલને રાખ્યો છે ટોપ પ્રાયોરિટી'માં
એવી વિગતો પણ જાણવા મળી છે કે પોલીસ વિભાગ દ્વારા કોટેચા ચોક, રૈયા ટેલિફોન એક્સચેન્જ, સ્પીડવેલ સર્કલ, કિસાનપરા, જિલ્લા પંચાયત સહિતના સર્કલોનો સર્વે ઝડપથી પૂર્ણ થાય તે માટે આ તમામનેટોપ પ્રાયોરિટી’માં રાખ્યા છે. નોંધનીય છે કે ઉપરોક્ત સર્કલ ઉપર નાના-મોટા વાહનો મોટી સંખ્યામાં પસાર થતા હોવાથી અહીં ટ્રાફિકજામની સમસ્યા વારંવાર સર્જાય છે એટલા માટે જો અહીંના સર્કલને નાના કરવામાં આવે તો આ સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
સ્વામિ નારાયણ મંદિર પાસેનો રસ્તો નહીં ખૂલે
ઈજનેરી સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે સ્વામી નારાયણ મંદિર પાસે ઘણા વર્ષોથી ડિવાઈડર મુકી દેવામાં આવ્યું છે જેના કારણે લોકોએ છેક કોટેચા ચોક સુધીની પ્રદક્ષિણા કરવી પડતી હતી. દરમિયાન તાજેતરમાં જ આ મુદ્દે રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ વાટાઘાટોના અંતે આ ડિવાઈડર ખુલ્લું મુકવાથી ટ્રાફિક સમસ્યા ઘટવાને બદલે વકરવાની ભીતિ સર્જાતાં આખરે તેને બંધ જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેવી રીતે કરાયો સર્વે
- આખો દિવસ ટ્રાકિકની અવર-જવર, કેટલા વાહનો પસાર થાય છે
- ઓરીજીન ડેસ્ટિનેશન સર્વે (અહીંથી પસાર થનારા લોકો ક્યાં જાય છે)
- કેવા પ્રકારના વાહનો અહીંથી નીકળે છે
- બસ-ટ્રક સહિતના મોટા વાહનો પસાર થાય છે તો ટર્ન કેવી રીતે લઈ શકે
- મોટા વાહનો માટે અલગથી રસ્તો નીકળી શકે કે કેમ મતલબ કે વૈકલ્પીક રસ્તા સહિત…
- આ તમામ બાબતોનો સોફ્ટવેર મારફતે સર્વે થાય છે
કોટેચા ચોક સહિત ૪૦ સર્કલનો કરાશે સર્વે
મહાપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે શહેરના ૪૦ જેટલા સર્કલનો સર્વે કરવાનું કામ સુરતની એજન્સીને સોંપવામાં આવ્યું છે જે પૂર્ણ થવામાં ઘણો સમય લાગી શકે છે. જો કે પોલીસ દ્વારા ટોપ પ્રાયોરિટીમાં જે સર્કલ રાખવામાં આવ્યા છે તેનો સર્વે પહેલાં પૂર્ણ કરવામાં આવી રહ્યો છે.
