હાશ ! મનપાની ત્રણેય ઝોન કચેરીમાં આધારની કામગીરી શરૂ
પંદર દિ’ બાદ ફરી ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં આધાર કેન્દ્રો ધમધમતાં થશે: ૧૮માંથી ૧૨ ઓપરેટરનું સસ્પેન્શન પાછું ખેંચાતાં રાહત
સેન્ટ્રલ ઝોનમાં ૬, ઈસ્ટમાં ૪ અને વેસ્ટ ઝોનમાં ૫ કિટ કાર્યરત કરાશે
મહાપાલિકાની ત્રણેય ઝોન કચેરીમાં કાર્યરત આધાર કેન્દ્રોમાં ફરજ બજાવતાં ૧૮ કોમ્પ્યુટર ઓપરેટરને દિવાળી પહેલાં જ એક સાથે સસ્પેન્ડ કરી દેવામાં આવતાં આધાર કાર્ડની કામગીરી ઠપ્પ જેવી થઈ જવા પામી હતી. તમામ ઓપરેટર સસ્પેન્ડ થઈ જતાં મનપાએ તાત્કાલિક નવા ઓપરેટર રાખવા પડ્યા હતા અને ઈસ્ટ તેમજ વેસ્ટ ઝોનમાં આધાર કેન્દ્ર બંધ કરી દેવામાં આવતાં સઘળું ભારણ સેન્ટ્રલ ઝોન કચેરી પર આવી પડતાં લાંબી લાઈન અને માથાકૂટ રોજિંદી બની ગઈ હતી. જો કે ૧૮માંથી ૧૨ ઓપરેટરનું સસ્પેન્શન પરત લેવાઈ જતાં આજથી સેન્ટ્રલ ઉપરાંત વેસ્ટ અને ઈસ્ટ ઝોન કચેરીમાં આધાર કાર્ડની કામગીરી પૂર્વવત કરી દેવામાં આવી હોવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરાઈ હતી.
હવે સેન્ટ્રલ ઝોનમાં ૬, ઈસ્ટ ઝોનમાં ૪ અને વેસ્ટ ઝોનની કચેરીમાં પાંચ કિટ કાર્યરત કરવામાં આવશે. મહાપાલિકા દ્વારા અરજદારોને અપીલ કરવામાં આવી છે કે હવેથી તેમણે પોતાના ઝોન હેઠળની કચેરીમાં જ આધારને લગત કાર્યવાહી કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ કેમ કે ત્રણેય ઝોન કચેરીમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજથી સેન્ટ્રલ ઝોન કચેરી (ડૉ.આંબેડકર ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, ઢેબરભાઈ રોડ), ઈસ્ટ ઝોન (ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, ફાયર સ્ટેશન પાસે, ભાવનગર રોડ) અને વેસ્ટ ઝોન (હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, રિલાયન્સ મોલ પાસે, ૧૫૦ ફૂટ રિંગરોડ) હેઠળની કચેરીમાં આધારની કામગીરી કરવામાં આવશે.