રાજકોટની 151 સ્માર્ટ સોસાયટીને સફાઈ માટે દર મહિને 25 લાખની ગ્રાન્ટ અપાશે
અત્યાર સુધી ૧૨.૬૦ લાખ ગ્રાન્ટ અપાતી હતી જેમાં બમણો વધારો કરતી સ્ટેન્ડિંગ કમિટી
સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો ક્રમ સુધરે અને સફાઈનું ધોરણ ઉંચું આવે તે માટે મહાપાલિકા દ્વારા શહેરની ૧૫૧ સોસાયટીને `સ્માર્ટ સોસાયટી’ જાહેર કરી તેને સફાઈ સહિતની વ્યવસ્થા માટે નિશ્ચિત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી રહી હતી. જો કે આ ગ્રાન્ટ અત્યંત ઓછી હોવાની રજૂઆત વારંવાર કરવામાં આવતી હોવાથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ગ્રાન્ટમાં બમણો વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે અત્યાર સુધી ૧૫૧ સ્માર્ટ સોસાયટીને દર મહિને પ્રતિ ચોરસમીટર ૧.૫૦ રૂપિયા લેખે ૧૨,૬૦,૪૧૭ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી હતી. આ રીતે દર વર્ષે ૧,૫૧,૨૫,૦૦૪ ગ્રાન્ટ પેટે અપાતા હતા. જો કે હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે એટલે દર મહિને પ્રતિ ચોરસમીટર રૂા.૩ લેખે ૧૫૧ સ્માર્ટ સોસાયટીને દર મહિને ૨૫,૨૦,૮૩૪ રૂપિયા ગ્રાન્ટ પેટે મળશે. આ રીતે દર વર્ષે ૩,૦૨,૫૦,૦૦૮નો ખર્ચ મંજૂર કરાયો છે.
બિલ્ડરોને ઝટકો: ૨૫ લાખ સુધીની પેઈડ એફએસઆઈમાં હપ્તો નહીં થાય
તેનાથી ઉપરની રકમ હશે તો ૨૫% ભરપાઈ કર્યા બાદ બાકીની ૭૫% રકમ માટે વધુમાં વધુ ૪ હપ્તા જ કરાશે
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ શાખામાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈ દ્વારા ટીપી શાખાની સત્તાનું વિકેન્દ્રીકરણ કરી નાખવામાં આવ્યું છે જેથી તમામ પ્રકારનો પાવર ટાઉન પ્લાનિંગ ઓફિસરના હાથમાં ન રહે. આ ઉપરાંત હવે બિલ્ડરોને પણ ઝટકો આપતાં પેઈડ એફએસઆઈ મામલે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ૨૫ લાખ રૂપિયા સુધીની પેઈડ એફએસઆઈ અથવા તો ઈન્ક્રીમેન્ટલ ચાર્જીસ હશે તો તેનો કોઈ પ્રકારનો હપ્તો કરી આપવામાં આવશે નહીં. અત્યાર સુધી બિલ્ડરો દ્વારા ટીપીઓ અથવા તો અધિકારીઓને સાધીને મનસૂફી પ્રમાણે હપ્તા કરી લેવાતા હતા પરંતુ હવે હપ્તા સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને ૨૫ લાખથી ઉપરની રકમની વસૂલાત કરવાની હોય એટલે તેના માટે વધુમાં વધુ ચાર હપ્તા કરવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી.
૨૫ લાખથી ઉપરની પેઈડ એફએસઆઈ તેમજ ઈન્ક્રીમેન્ટલ ચાર્જીસની રકમ હોય તો ૨૫% રકમ વસૂલાઈ ગયા બાદ બાકીની ૭૫% રકમના વધુમાં વધુ ચાર હપ્તા જ કરાશે. જો વધુ સમય મંગાશે તો નાયબ મ્યુનિ.કમિશનર અથવા મ્યુનિ.કમિશનરની મંજૂરી મેળવી વધુમાં વધુ બે વર્ષનો સમય કરી અપાશે. આ ઉપરાંત હપ્તાની રકમ ઉપર આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા બેન્ક રેઈટ+ ૨% વહીવટી ચાર્જ મળીને જે વ્યાજદર આવે તે અથવા મિનિમન ૬.૫૦% બેન્ક રેઈટ+૨% વહીવટી ચાર્જ મળીને જે વ્યાજદર આવે એ બન્નેમાંથી જે મહત્તમ વ્યાજદર હોય તે દર મુજબનું વ્યાજ વસૂલવામાં આવશે. જો ચેક આપવામાં આવ્યો હોય અને તે રિટર્ન થાય તો ૧૮% પેનલ્ટી પ્રતિ માસ વસૂલાશે. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપ્યા બાદ હવે આગામી જનરલ બોર્ડમાં તેને મંજૂરી અર્થે મુકવામાં આવશે.
વર્ગ-૨ અધિકારીઓના પગારધોરણ સુધારવાની દરખાસ્ત પેન્ડીંગ
મહાપાલિકામાં વર્ગ-૨ (લેવલ-૯)માં ફરજ બજાવતાં અધિકારીઓને સળંગ નોકરીના ૧૨ વર્ષ બાદ લેવલ-૧૧ મુજબ પગારધોરણ સુધારણાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ વધુ વિચારણા અર્થે પેન્ડીંગ રાખી હતી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં રસ્તા, ડે્રનેજ, પેવિંગ બ્લોક સહિતની ૫,૫૫,૪૯,૬૪૧ની દરખાસ્તને મંજૂરીની મ્હોર લગાવી હતી.