રૂા.૧૦૦માં ગમે તે દર્દની સારવાર’ કરતો બોગસ ડૉક્ટર પકડાયો
એક વર્ષથી લોકોને છેતરતો'તો: ઘરે જઈને પણ ઈન્જેક્શન આપવા, બાટલા ચડાવવા સહિતની ટ્રીટમેન્ટ કરતો'તો
૭ વર્ષ સુધી કમ્પાઉન્ડર રહ્યા બાદ આખરે ડૉક્ટર બનવાનો અભરખો જાગ્યો: દવા સપ્લાય કરનારની શોધખોળ: એસઓજીનું વધુ એક
ઓપરેશન’
રાજકોટ સહિત આખા ગુજરાતમાં ડૉક્ટરોની તીવ્ર અછત વર્તાઈ રહી છે જેના કારણે ઠેકઠેકાણે બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. આવો જ એક બોગસ ડૉક્ટર છેલ્લા એક વર્ષથી શહેરની ભાગોળે ફાડદંગ ગામે રૂા.૧૦૦માં ગમે તે દર્દીની સારવાર કરી નાખતા બોગસ ડૉક્ટરને એસઓજીએ પકડી પાડ્યો છે.
એસઓજી પીઆઈ જે.એમ.કૈલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા, વીરદેવસિંહ વિક્રમસિંહ જાડેજા સહિતનાએ બાતમીના આધારે ફાડદંગ ગામે વલ્લભ ગંગદાસ રામાણીના મકાનમાં ભાડેથી ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હર્ષદ ઉર્ફે કાનાભાઈ પ્રાગજીભાઈ ચોટલિયા (ઉ.વ.૩૪)ને હોસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન સહિત સાથે પકડી પાડ્યો હતો.
પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે હર્ષદ છેલ્લા એક વર્ષથી ફાડદંગ ગામે કોઈ પ્રકારની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ફાડદંગ આસપાસ છ જેટલા ગામ આવેલા હોય ત્યાં એક પણ મેડિકલ સ્ટોર કે યોગ્ય તબીબી સુવિધા ન હોવા ઉપરાંત ગ્રામ્ય પ્રજા હર્ષદ સાચો ડૉક્ટર છે કે ખોટો તેની ખરાઈ કર્યા વગર જ દવા લેવા આવતી હતી. હર્ષદ તેના ક્લિનિકમાં આવનાર દર્દી પાસેથી રૂા.૧૦૦ ફી લેતો હતો જ્યારે કોઈના ઘેર જઈને ઈન્જેક્શન મુકવાનું હોય, બાટલો ચડાવવાનો હોય તો રૂા.૨૫૦ ફી લેતો હતો. હર્ષદ સાત વર્ષ સુધી કમ્પાઉન્ડ તરીકે રહ્યા બાદ પોતાનું ક્લિનિક ખોલી નાખ્યું હતું. હવે દવા સપ્લાય કરનાર શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.