દેશમાં ઈંધણ માટે શું જાહેર થઈ નવી સુવિધા, શું થયું ? જુઓ
દેશમાં નવી ક્રાંતિ; હવે 100 ટકા ઇથેનોલવાળા ઈંધણને મંજૂરી
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કરી જાહેરાત; ફાઇલ પર હસ્તાક્ષર થયા; ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો અને જૈવ-ઇંધણ આધારિત નવી પરિવહન વ્યવસ્થાના રસ્તા ખૂલ્યા
ભારતના ઇંધણ અને ઓટોમોબાઇલ સેક્ટર માટે ઐતિહાસિક સિધ્ધી બહાર આવી છે. દેશની ક્રૂડ ઓઇલ(કાચા તેલ)ની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને પ્રદૂષણ મુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ઉઠાવ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ 100 ટકા ઇથેનોલ એટલે કે E100ને વાહનોના સત્તાવાર ઇંધણ તરીકે કાનૂની મંજૂરી આપતાં નિયમો પર હસ્તાક્ષર કરી દીધા છે. આ નિર્ણયથી દેશમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો અને જૈવ-ઇંધણ (બાયોફ્યુઅલ) આધારિત નવી પરિવહન વ્યવસ્થાના દ્વાર ખૂલી ગયા છે.
E100ને કાનૂની મંજૂરી મળ્યા બાદ હવે વાહન ઉત્પાદક કંપનીઓએ એવા એન્જિન વિકસાવવા પર ભાર મૂકવો પડશે જે સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલી શકે. કેટલીક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ અગાઉથી જ ફ્લેક્સ-ફ્યુઅલ ટૅક્નોલૉજી ધરાવતા વાહનોના પ્રોટોટાઇપ રજૂ કરી દીધા છે, જેનું હવે મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ શકશે.
આ પણ વાંચો: દેશના કેટલા રાજ્યોમાં આંધી તોફાન, કેટલા લોકોના મોત થયા ? વાંચો
આ નીતિને જમીન સ્તરે સફળ બનાવવા માટે હવે પેટ્રોલ પંપો પર વિશેષ સ્ટોરેજ સુવિધાઓ, વિતરણ પ્રણાલી અને સપ્લાય નેટવર્ક વિકસાવવું પડશે. ઇથેનોલની રાસાયણિક લાક્ષણિકતાઓને કારણે સ્ટોરેજ ટેન્ક અને પાઇપલાઇનમાં જરૂરી તકનીકી ફેરફારો કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ચરણબદ્ધ રીતે કામ શરૂ કરશે.
ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટા ભાગે મોંઘા આયાતી ક્રૂડ ઓઇલ પર નિર્ભર રહે છે, જેના કારણે દેશનું ઘણું વિદેશી હૂંડિયામણ બહાર વહી જાય છે. E100ના વ્યાપારી ઉપયોગથી તેલની આયાત ઘટશે અને દેશની તિજોરી પરનું ભારણ ઓછું થશે. આ ઉપરાંત, ઇથેનોલ એ પ્રમાણમાં સ્વચ્છ અને ગ્રીન ઇંધણ હોવાથી વાહનોમાંથી નીકળતા કાર્બન ઉત્સર્જન અને વાયુ પ્રદૂષણમાં મોટો ઘટાડો નોંધાશે, જે ભારતના પર્યાવરણીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે.
