મહારાષ્ટ્રમાં સ્કૂલમાં અને આસપાસ વડા પાઉં, સમોસા,ચિપ્સ પર પ્રતિબંધ
આખા રાજ્યમાં લાગુ, જંક ફૂડ સામે જંગ
મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે બાળકોમાં સ્વસ્થ ખાણીપીણીની આદત વિકસે અને જંક ફૂડના વધતા પ્રભાવને રોકવા માટે રાજ્યની તમામ શાળાઓ તથા તેની 50 મીટરની ત્રિજ્યામાં હાઈ ફેટ, હાઈ શુગર અને હાઈ સોલ્ટ (HFSS) ધરાવતા જંક ફૂડના વેચાણ, મફત વિતરણ અને પ્રચાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા જાહેર કરાયેલા આ આદેશનો અમલ સરકારી, અનુદાનિત, ખાનગી, રહેણાંક તેમજ CBSE, ICSE, રાજ્ય બોર્ડ સહિત તમામ બોર્ડની આશરે 1.08 લાખ શાળાઓ અને લગભગ બે કરોડ વિદ્યાર્થીઓ પર થશે. રાજ્યના FDA કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું કે ‘સેફ ફૂડ-સેફ મહારાષ્ટ્ર’ અભિયાન હેઠળ બાળકોને સુરક્ષિત અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવાનો સરકારનો આ પ્રયાસ છે. નિયમોના અમલની જવાબદારી શાળાના સંચાલન અને આચાર્યની રહેશે, જ્યારે FDA ટૂંક સમયમાં રાજ્યવ્યાપી ચકાસણી અભિયાન શરૂ કરશે. નિયમોના ભંગ બદલ નોટિસ, લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવું, ખાદ્યસામગ્રી જપ્ત કરવી સહિત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ કાનૂની કાર્યવાહી પણ થઈ શકશે.
આ પણ વાંચો: ઘી, મધ અને સાબુ પછી હવે પતંજલિ વીમો પણ વેંચશે
કઈ કઈ વસ્તુઓ પર પ્રતિબંધ ?
શાળા પરિસર અને તેની 50 મીટરની ત્રિજ્યામાં હવે વડા પાઉં, સમોસા, વિવિધ તળેલા નાસ્તા, ચિપ્સ, કોલ્ડ ડ્રિંક્સ, ખાંડયુક્ત પીણાં, ચોકલેટ, આઇસ્ક્રીમ તેમજ વધુ ચરબી, ટ્રાન્સ ફેટ, મીઠું અને ખાંડ ધરાવતી તમામ HFSS શ્રેણીની ખાદ્યવસ્તુઓના વેચાણ, મફત વિતરણ અને પ્રચાર પર પ્રતિબંધ રહેશે.
કેન્ટિનોએ લાયસન્સ લેવું પડશે
શાળાની કેન્ટિન, હોસ્ટેલ કેન્ટિન, પીએમ-પોષણ (મિડ-ડે મીલ) રસોડાં, આંગણવાડી કેન્દ્રો તથા શાળાઓને ખાદ્યસામગ્રી પૂરી પાડતા તમામ સપ્લાયરો માટે માન્ય FSSAI લાયસન્સ અને નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે. સાથે જ દરેક શાળાએ ફૂડ સેફ્ટી ડિસ્પ્લે બોર્ડ લગાવવો, ફૂડ સેફ્ટી સુપરવાઇઝરની નિમણૂક કરવી, ‘ઈટ રાઇટ સ્કૂલ’ અભિયાન અમલમાં મૂકવું, સ્વચ્છ રસોડું, સુરક્ષિત પીવાનું પાણી, યોગ્ય ફૂડ સ્ટોરેજ અને સ્વચ્છતા જાળવવાની રહેશે.
