ઉર્દૂ વિદેશી નહીં પણ ભારતની જ ભાષા : મુરલી મનોહર જોશી
મુસ્લિમો અરબીને બદલે ઉર્દૂમાં કુરાન વાંચે તેવા વાજપેયી સરકારના પ્રયાસો હતા
ભાજપના વરિષ્ઠ નેતા, માર્ગદર્શક મંડળના સભ્ય અને પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી મુરલી મનોહર જોશીએ ભાષા અને શિક્ષણના મુદ્દે ચાલી રહેલી ચર્ચા વચ્ચે એક મોટું નિવેદન આપ્યું છે. નવી દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે ઉર્દૂ કોઈ વિદેશી ભાષા નથી પરંતુ તે સંપૂર્ણપણે આપણા દેશની જ ભાષા છે અને તેનો ઉદ્દભવ ભારતની ધરતી પર જ થયો છે. આ સાથે જ તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી તત્કાલીન એનડીએ (NDA) સરકારના કાર્યકાળને યાદ કરતા જણાવ્યું હતું કે, તે સમયે કેન્દ્ર સરકાર ભારતીય મુસ્લિમોને અરબી ભાષાના બદલે આપણી જ ભારતીય ભાષા ઉર્દૂમાં પવિત્ર કુરાન વાંચવા માટે પ્રોત્સાહિત કરવા માંગતી હતી, જેથી તેઓ તેને વધુ સરળતાથી સમજી શકે.
પોતાના સંબોધનમાં ભાષાઓના ભૌગોલિક મૂળ પર ભાર મૂકતા જોશીએ જણાવ્યું કે, આજે ભલે ઉર્દૂ પાકિસ્તાનની રાષ્ટ્રીય ભાષા હોય અને બંગાળી (બાંગ્લા) બાંગ્લાદેશની રાષ્ટ્રીય ભાષા હોય, પરંતુ આ બંને ભાષાઓનો ઉદ્દભવ અને વિકાસ ભારતીય ઉપખંડની ધરતી પર જ થયો છે. આ દરમિયાન તેમણે રવીન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે ગર્વની વાત છે કે ભારત અને બાંગ્લાદેશ બંને દેશોના રાષ્ટ્રગીત ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા જ લખવામાં આવ્યા છે. તેમણે સનાતન ધર્મને વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ ગણાવ્યો હતો.
વેદોમાં માંસાહારને સમર્થનનો દાવો હળહળતુ જૂઠાણું
પોતાના મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે લેવાયેલા નિર્ણયોને યાદ કરતા જોશીએ ઇતિહાસના જૂના પુસ્તકોની આકરી ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો કે અગાઉના ભારતીય ઇતિહાસના પુસ્તકોમાં અનેક પ્રકારની અચોક્કસતાઓ અને વિસંગતતાઓ ભરેલી હતી. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, પ્રાચીન વેદોમાં માંસાહારને સમર્થન હોવાનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું અને આર્યો બહારથી આવેલા સ્થળાંતરિતો હતા તેવું ખોટું ચિત્રણ કરાયું હતું. જોશીએ ઉમેર્યું કે, તેમના મંત્રાલયે આ વિસંગતતાઓને સુધારવા અને લુપ્ત થયેલી પ્રાચીન સરસ્વતી નદીના અસ્તિત્વ અંગેના વૈજ્ઞાનિક અને ઐતિહાસિક પુરાવાઓ રજૂ કરવા માટે સક્રિય કામગીરી કરી હતી.
