સરકારે તાળું મારતા Telegram પહોંચી કોર્ટના દ્વારે: દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી
NEET-UG રી-ટેસ્ટની પારદર્શિતા જાળવવા કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ ટેલિગ્રામ પર 22 જૂન સુધીનો અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો, પણ હવે કંપનીએ આ પગલાને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યું છે. ટેલિગ્રામનું કહેવું છે કે આખા પ્લેટફોર્મ પર પ્રતિબંધથી લાખો સામાન્ય યુઝર્સ અને વ્યવસાયો પ્રભાવિત થયા છે. જ્યારે સરકારનો દાવો છે કે ટેલિગ્રામ પર પેપર લીક અને ગેરરીતિની ટોળકીઓ સક્રિય હતી. આ મામલે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે, જેનો નિર્ણય NEETના લાખો વિદ્યાર્થીઓ અને ડિજિટલ અધિકારો બંને માટે મહત્વનો બની રહેશે.
21 જૂને યોજાનારી NEET-UG પુનઃ પરીક્ષા પહેલાં કેન્દ્ર સરકારે આઈટી એક્ટની કલમ 69A હેઠળ ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો હતો. સરકારનો તર્ક હતો કે પેપર લીક, ગેરરીતિ અને ખોટી માહિતી ફેલાવવા માટે ગેરકાયદેસર ટોળકીઓ ટેલિગ્રામ ચેનલોનો દુરુપયોગ કરી રહી છે. પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવા 22 જૂન સુધી બેન લાદવાનો નિર્ણય લેવાયો.
આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિરના ‘દાન કૌભાંડ’ થી લઈને તિરુપતિ-પુરી સુધીની કડવી વાસ્તવિકતા!
ટેલિગ્રામે હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો
આ પ્રતિબંધ સામે ટેલિગ્રામ કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. કંપની દલીલ છે કે માત્ર શંકાસ્પદ ચેનલો/ગ્રુપ સામે કાર્યવાહી કરવાને બદલે આખા પ્લેટફોર્મ પર બેન લગાવવો અતિશય અને અસંગત છે. કંપનીના મતે આનાથી લાખો સામાન્ય વપરાશકર્તાઓ, શિક્ષકો, સ્ટુડન્ટ્સ અને ઓનલાઈન બિઝનેસ કરતા લોકોની પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે. અરજીમાં પ્રતિબંધની કાયદેસરતા અને તેની આવશ્યકતા બંને પર સવાલ ઉઠાવાયા છે.
સરકારનો જવાબ: પરીક્ષાની પવિત્રતા સર્વોપરી
કેન્દ્રનો પક્ષ છે કે NEET જેવી રાષ્ટ્રીય પરીક્ષાની ગોપનીયતા અને પારદર્શિતા જાળવવી સૌથી મહત્વની છે. ગત વર્ષે પેપર લીકની ઘટનાઓ બાદ સરકાર સતર્ક છે. ટેલિગ્રામ પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હોવાથી ગેરકાયદેસર સામગ્રીનું મોનિટરિંગ મુશ્કેલ બને છે, એટલે તાત્કાલિક પગલા તરીકે પ્રતિબંધ જરૂરી બન્યો હોવાનું સરકારનું માનવું છે.
આજે દિલ્હી હાઈકોર્ટમાં નિર્ણય
હવે આ મામલે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. કોર્ટ સરકારના રાષ્ટ્રીય હિત અને પરીક્ષા સુરક્ષાના દાવાને માન્ય રાખશે કે ટેલિગ્રામની વપરાશકર્તા અધિકાર અને વ્યવસાય પર અસરની દલીલ સ્વીકારશે તેના પર સૌની નજર છે. કોર્ટ પ્રતિબંધ યથાવત રાખે, શરતી રાહત આપે અથવા સંપૂર્ણ હટાવે તેવી ત્રણેય શક્યતાઓ છે. NEET-UG રી-ટેસ્ટમાં લાખો વિદ્યાર્થીઓ બેઠા છે, ત્યારે કોર્ટનો આજનો નિર્ણય પરીક્ષાની સુરક્ષા અને ડિજિટલ સ્વતંત્રતાના સંતુલનને નક્કી કરશે.
