તમિલનાડુમાં લઠ્ઠાકાંડ : કલ્લાકુરિચી ઝેરી દારૂ પીવાથી 34થી વધુ લોકોના મોત, 100થી વધુને હોસ્પિટલ ખસેડાયા
તમિલનાડુમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે જેમાં કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 34 લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે આ વાતની પુષ્ટિ કરી છે. મૃત્યુઆંક વધી શકે તેવી શક્યતા છે. કલ્લાકુરિચીના જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા.
આ કેસમાં 49 વર્ષીય (ગેરકાયદે દારૂ વેચનાર) કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા આશરે 200 લિટર ગેરકાયદેસર દારૂના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ ‘મિથેનોલ’ છે.
મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે ઝેરી દારૂના વેંચાણને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટાલિને X પર એક પોસ્ટમાં કહ્યું, ‘કલ્લાકુરિચીમાં ભેળસેળવાળો દારૂ પીનારા લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાત અને દુઃખી છું. આ કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
તેમણે કહ્યું, ‘જો જનતા આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો વિશે માહિતી આપશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સમાજને બરબાદ કરતા આવા ગુનાઓને કડકાઈથી ડામવામાં આવશે. તમિલનાડુના ગવર્નર આરએન રવિએ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.
તમિલનાડુ રાજ ભવને રાજ્યપાલ વતી એક પોસ્ટ શેર કરી અને કહ્યું, ‘મને એ જાણીને ખૂબ દુખ થયું છે કે કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ઘણા લોકોની હાલત ગંભીર છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હ્રદયપૂર્વકની સંવેદના અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી હું કામના કરું છું.
રાજ્યપાલે રાજ્યના જુદા જુદા ભાગોમાંથી નકલી દારૂના સેવનને કારણે મૃત્યુના સતત અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી. પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘સમય-સમય પર, અમારા રાજ્યના વિવિધ ભાગોમાંથી નકલી દારૂના સેવનથી મૃત્યુના અહેવાલો સામે આવે છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.
CBCID મામલાની તપાસ કરશે
કલ્લાકુરિચીના કલેક્ટર એમએસ પ્રશાંતના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 109 લોકોને દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 34 લોકોના મોત એકલા કલ્લાકુરિચીમાં થયા છે. ત્રણ સિવાયના તમામનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. એમ્બ્યુલન્સ સહિત લાઇફ સપોર્ટ સિસ્ટમ સહિતની તમામ સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. ટૂંક સમયમાં રિપોર્ટ સોંપવામાં આવશે. સાલેમ અને ત્રિચી સહિત નજીકના જિલ્લાઓમાંથી ડૉક્ટરો અને વિશેષ તબીબી સ્ટાફ અહીં હાજર છે. પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક ફોરેન્સિક ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. સીબીસીઆઈડીએ તપાસ હાથ ધરી છે. એક વ્યક્તિ કસ્ટડીમાં છે.