AMC માટે 2મીમી વરસાદ પણ ભારે કહેવાય છે : હાઇકોર્ટે કર્યો કટાક્ષ
બિસ્માર રસ્તાઓ અને ખાડા મુદ્દે થયેલી અરજી ઉપર થઇ સુનાવણી
ગુરુવારે બિસ્માર રોડ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને એક તબક્કે અમદાવાદ મહાપાલિકાએ રસ્તા પર પડેલા ખાડા અંગે એવો બચાવ કર્યો હતો કે, વરસાદનાં પાણી ભરાવાથી ખાડા પડે છે..આ સાંભળીને હાઇકોર્ટે એવો કટાક્ષ કર્યો હતો કે એ.એમ.સી. માટે બે મી.મી. વરસાદ પણ ભારે વરસાદ કહેવાય છે.
અરજદારે આ મુદ્દે કોર્ટમાં અરજી કરતા જણાવ્યું હતું કે, સરકારના ચૂંટણી ઢંઢેરા જેવા વાયદા નહીં કામ જોઈએ. સારા રોડ, ટ્રાફિક નહીં, પાર્કિંગ વ્યવસ્થાની માગ કરવામાં આવી. કોર્ટના આદેશ છતા અમલવારી કરવામાં આવતી નથી. કોર્ટે ઘણો સમય આપ્યો છતા સ્થિતિમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કર ભરનારને સારી સુવિધાઓ આપવી જોઈએ આ કેસ નવી બેન્ચ સામે પ્રસ્તુત થયો હોવાથી અરજદારે અગાઉના કોર્ટના નિરીક્ષણો ટાંક્યા હતા. જેમાં જણાવાયું હતું કે રોડ બનાવતી વખતે અને રિસર્કેસિંગ કરતી વખતે નિરીક્ષણ કરવામાં આવતું નથી. એટલે પ્રજાના પૈસા પાણીમાં જાય છે. ખરાબ રોડ પાછળ ભ્રષ્ટાચાર અને નેપોટીઝમ પણ જવાબદાર છે.
વરસાદમાં નાગરિકો હેરાન થાય છે અરજદારે જણાવ્યું હતું કે AMC નો પ્રિ મોન્સુન પ્લાન કાગળ ઉપર જ હોય છે. વરસાદમાં નાગરિકો હેરાન થાય છે. પહેલાના સમયમાં ચોમાસા પહેલા ડ્રેનેજ સાફ થતી હતી. હવે રોડ ઉપર પાણી ભરાવાથી રસ્તા ખરાબ થાય છે. કોર્ટે AMC ને પૂછ્યું હતું કે રોડના નિરીક્ષણ માટે એન્જિનિયર રાખો છો કે થર્ડ પાર્ટી નિરીક્ષણ કરાવવામાં આવે છે? AMC એ જણાવ્યું હતું કે દર વર્ષે એપ્રિલ મહિના બાદ રોડ અને ગટરને લગતા કામ કરવામાં આવે છે.
AMC એ જણાવ્યું હતું કે શેલામાં પડેલ ભુઓ પણ પૂરી દેવામાં આવ્યો છે. તે રોડ ઉપર ટ્રાફિક પણ શરૂ થઇ ગયો છે. પણ અહીં AMC ભરાઈ ગયું હતું. કારણ કે કોર્ટે કહ્યું હતું કે આ વાત ખોટી છે. ત્યાં રોડ ઉપર વાહનોની અવર જવર શરૂ થઈ નથી. જેથી એક જ બાજુનો રસ્તો ખુલ્લો હોવાનું AMC એ સ્વીકાર્યું હતું. કોર્ટે પૂછ્યું હતું કે તમે જલ્દી ખાડા ભરો છો પણ ખાડા પડે છે કેમ? તમારી પાસે એન્જિનિયર હોવા છતાં થર્ડ પાર્ટી ટેન્ડર આપીને રોડ બનાવાય છે. તમારા એન્જિનિયર શું કરે છે? AMC એ જણાવ્યું હતું કે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ કામ કરે જ છે અને રોડ બનાવતા નિરીક્ષણ પણ કરે છે. વળી નિયમો મુજબ મોટા કામમાં પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ કંપની પણ રાખવી પડે છે. કેટલાય કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ પણ કરાયા છે. રોડ બન્યા બાદ 03 થી 05 વર્ષ કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે. તેમ છતાં સુધારાની શક્યતાઓ દરેક સ્ટેજ ઉપર હોય છે.
કોર્ટે AMC ને આદેશ કર્યો હતો કે અરજદારે અમદાવાદના રોડની સ્થિતિ અંગે ફાઇલ કરેલ એફિડેવિટનો AMC જવાબ આપે અને કયા પગલાં લીધા તે પણ જણાવે. રોડ બનાવવાની પ્રોસેસ કોર્ટ સમક્ષ મૂકે. કોર્ટે નોંધ્યું હતું રોડ બનાવીને તુરંત બીજા કામ માટે તેને તોડવામાં આવે છે. ડ્રેનેજ લાઇનમાં લીકેજ હોવાથી ભુવા પડે છે.