ગંગોત્રી-યમનોત્રી હાઈવે સહિત ઓરછા બેન્ડથી સયાનાચટ્ટી સુધીના રસ્તા ભૂસ્ખલનથી બંધ, યાત્રાળુઓ અટવાયા
દેવભૂમિ ઉત્તરાખંડમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી બેઠા છે. ઉત્તરકાશીમાં અવિરત વરસાદના કારણે ચારધામ યાત્રાના બે મહત્વના માર્ગો ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે અનેક જગ્યાએ બંધ થઈ ગયા છે. પહાડોમાંથી ધસી આવતા કાટમાળ અને પથ્થરોએ માત્ર રસ્તા જ નહીં, પણ હજારો યાત્રાળુઓની આસ્થાની યાત્રા પણ રોકી દીધી છે. ઘટનાસ્થળના દ્રશ્યો ભયાવહ છે, જ્યાં પહાડોમાંથી સતત પથ્થરો પડી રહ્યા છે.
ક્યાં-ક્યાં રસ્તા બંધ થયા?
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના જણાવ્યા મુજબ, યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓરછા બેન્ડ, પાલી ઝીરો પોઈન્ટ, સિલાઈ બેન્ડ, સયાનાચટ્ટી અને દુર્બિલ તથા જંગલચટ્ટી વચ્ચે ભૂસ્ખલનને કારણે સંપૂર્ણપણે બંધ છે. ખાસ કરીને સિલાઈ બેન્ડ અને સયાનાચટ્ટી નજીક મોટા પ્રમાણમાં કાટમાળ અને પહાડો ધસી પડ્યા છે. અહીં NHની ટીમને રસ્તો ખોલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે કારણ કે ટેકરીઓ પરથી હજુ પણ સત પથ્થરો પડી રહ્યા છે.
તો બીજી તરફ ગંગોત્રી હાઈવે પણ ભટવાડી નજીક ભૂસ્ખલનનો ભોગ બન્યો છે. અહીં પણ પહાડોમાંથી કાટમાળ અને પથ્થરો સત પડી રહ્યા હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળના ફોટામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રસ્તા પર કેટલો મોટો કાટમાળ ફેલાયેલો છે.
વહીવટીતંત્ર એલર્ટ, યાત્રાળુઓને સલાહ
સ્થિતિને જોતા વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. સંબંધિત વિભાગોના મશીનો અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યા છે. પ્રયાસ છે કે બંને રાષ્ટ્રીય ધોરીમાર્ગોને શક્ય તેટલી વહેલી તકે ચાલુ કરી દેવાય.
વહીવટીતંત્રે ચારધામ યાત્રા પર નીકળેલા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને અપીલ કરી છે કે તેઓ યાત્રા શરૂ કરતા પહેલા રસ્તાની સ્થિતિ અંગે પૂછપરછ કરી લે. હવામાનને ધ્યાનમાં રાખીને બિનજરૂરી મુસાફરી ટાળવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. મુસાફરો અને સ્થાનિકોની સલામતીને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
