CBSE માં ધો.7 થી 9 માં બે વિદેશી ભાષાઓ રાખવાનો વિકલ્પ યથાવત
ત્રિભાષીય નિયમ માત્ર ધોરણ 6 ના નવા વિદ્યાર્થીઓ માટે જ : હાલના ઉચ્ચ ધોરણના વિદ્યાર્થીઓ પરથી અધવચ્ચે ભાષા બદલવાનું દબાણ હટાવાયું
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને સીબીએસઈ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નીતિ (NEP 2020) ના ત્રિભાષીય નિયમને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં એક અત્યંત મહત્વનો અને રાહત આપનારો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા નિર્ણય અનુસાર, હાલમાં ધોરણ 7,8 અને 9માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર ત્રણ ભાષાનો નવો નિયમ પૂર્વવર્તી અસરથી લાગુ કરવામાં નહીં આવે.આવશે.
બોર્ડે સ્પષ્ટતા કરી છે કે જે વિદ્યાર્થીઓએ અગાઉથી જ બે વિદેશી ભાષાઓ (જેમ કે ફ્રેન્ચ, જર્મન કે સ્પેનિશ) પસંદ કરી લીધી છે, તેઓ ધોરણ 10 સુધી તે જ વિષયો સાથે પોતાનો અભ્યાસ કોઈપણ અવરોધ વગર ચાલુ રાખી શકશે અને તેમને અધવચ્ચેથી નવી ભારતીય ભાષા શીખવાનું કોઈ દબાણ રહેશે નહીં. આ ઉપરાંત, હાલના ધોરણ 10ના વિદ્યાર્થીઓને આગામી બોર્ડ પરીક્ષામાં ત્રીજી ભાષાના પેપરમાંથી સંપૂર્ણ મુક્તિ આપી દેવામાં આવી છે, એટલે કે તેઓ માત્ર બે ભાષાઓ સાથે જ બોર્ડની પરીક્ષા આપી શકશે.
આ પણ વાંચો: શેરબજારમા આશરે 1,75,000 કરોડના નવા આઈ.પી.ઓ આવશે
વાસ્તવમાં નવી શિક્ષણ નીતિના નિયમ મુજબ શાળાઓમાં ત્રણ ભાષાઓ ભણવી ફરજિયાત છે, જેમાંથી ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ હોવી અનિવાર્ય છે. આ નિયમમાં અંગ્રેજીને પણ વિદેશી ભાષાની શ્રેણીમાં ગણવામાં આવી હોવાથી, બે વિદેશી ભાષા ભણતા વિદ્યાર્થીઓ માટે સંકટ ઊભું થયું હતું. જોકે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે ચાલી રહેલી ચિંતાઓનો અંત લાવતા સ્પષ્ટ કર્યું છે કે આ નવો નિયમ હવેથી માત્ર ધોરણ 6માં પ્રવેશ મેળવતા નવા વિદ્યાર્થીઓ પર જ તબક્કાવાર રીતે લાગુ કરાશે. બોર્ડના આ તાર્કિક અભિગમને કારણે લાખો વિદ્યાર્થીઓ અચાનક ભાષા બદલવાના માનસિક તણાવથી બચી ગયા છે અને વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
