શહેરના ભગવતીપરા વિસ્તારમાં નશાખોર શખ્સે ભારે આતંક મચાવ્યો હતો. મિત્ર પાસે પૈસાની માંગણી કરી ના પાડવામાં આવતા કારમાં તોડફોડ કરી હતી અને ત્યારબાદ ત્રણ યુવાનો પર હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનનું બાઈક પડાવી લઈ, તેનું અપહરણ કરી પેટના ભાગે છરી ઝીંકીદીધી હતી.ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઇજાગ્રસ્ત રાહુલ ટીસાભાઈ કેરાડીયા (ઉ.વ.૨૦)એ જણાવ્યું હતું કે, આરોપી ફારૂક તેના ભાઈ અશોકનો મિત્ર છે અને તેને નશો કરવાની ટેવ છે. ગત તારીખ ૨૮ના રોજ રાત્રિના ૧૦ વાગ્યાની આસપાસ ફારુક તેઓના ઘર પાસે ગયો હતો અને મોટાભાઈ રામકુ પાસે પૈસાની માંગણી કરી હતી. જોકે, રામકુ ભાઈએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડતાં ઉશ્કેરાયેલા ફારૂક અને તેની સાથે આવેલા અજાણ્યા શખ્સોએ રામકુની કારમાં તોડફોડ કરી હતી.આ ઘટના બાદ આરોપી ફારુક ઘર નજીક આવેલી સ્વામિનારાયણ ડેરી પાસે પહોંચ્યો હતો, જ્યાં તેણે અશોક ટીસાભાઈ કેરાડીયા (ઉ.વ.૨૬) અને તેના મિત્ર મીત મનિષભાઈ ચુડાસમા (ઉ.વ.૨૬, રહે. ભગવતીપરા, મહાકાળી સોસાયટી શેરી નં. ૨) પર હુમલો કર્યો હતો. અચાનક હુમલો થતાં બંને પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ આરોપી ફારુકે મીતનું બાઇક પડાવી લીધું હતું અને તે બાઈક લઈને રાહુલ પાસે પહોંચ્યો હતો.
આ પણ વાંચો: જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા `આંધળા’ ખર્ચની તપાસ કરવા કમિટીની રચના
ફારુકે રાહુલને ધમકાવીને કહ્યું હતું કે, “તારો ભાઈ અને મીત ક્યાં છે, હાલ મને બતાવ.” તેમ કહી બળજબરીથી બાઇક પર બેસાડી તેને ભગવતીપરાના પુલ નીચે લઈ ગયો હતો. રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ભગવતીપરા પુલ નીચે આરોપી ફારુક સહિતના શખ્સોએ રાહુલને બેફામ માર માર્યો હતો અને તેના પેટમાં છરી ઝીંકી દીધી હતી. હુમલાને પગલે બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
લોહીલુહાણ હાલતમાં રાહુલને તેમજ અન્ય ઇજાગ્રસ્ત મીત અને અશોકને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ અને અશોક બંને ભાઈઓ ઇમિટેશનનું કામ કરે છે, જ્યારે મીત ડિલિવરી બોય તરીકે કામ કરે છે. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત યુવાનોના નિવેદનના આધારે ગુનો નોંધવા સહિતની જરૂરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
