NEET એ વધુ એક જીવ લીધો: ‘ફરી પરીક્ષા આપવાની હિંમત નથી…’ લખી વિદ્યાર્થિનીનો આપઘાત
દેશભરમાં ગાજેલા NEET UG ૨૦૨૬ પેપર લીક કૌભાંડ અને ત્યારબાદ પરીક્ષા રદ થવાના નિર્ણયની એક અત્યંત આઘાતજનક અને કરૂણ આડઅસર સામે આવી છે. મધ્યપ્રદેશના નવગઠિત જિલ્લા મઉગંજના મગનિયા ગામમાં મેડિકલની તૈયારી કરી રહેલી એક તેજસ્વી વિદ્યાર્થિની આકાંક્ષા ચતુર્વેદીએ માનસિક તણાવમાં આવીને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. તંત્રની ખામીઓના કારણે એક હોનહાર દીકરીએ ગુમાવેલા જીવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ડૉક્ટર બનવાનું સપનું રોળાયું: ૬૫૦ માર્ક્સની હતી આશા
પરિવારના જણાવ્યા અનુસાર, તાજેતરમાં લેવાયેલી NEETની પરીક્ષામાં આકાંક્ષાને ૬૫૦ જેટલા ઉત્કૃષ્ટ માર્ક્સ મળવાની પૂરી આશા હતી અને તેનું ડૉક્ટર બનવાનું સપનું સાકાર થવાને આરે હતું. જોકે, પેપર લીક વિવાદ બાદ પરીક્ષા રદ થવાના આંચકાને તે સહન કરી શકી નહીં. ફરીથી શૂન્યમાંથી શરૂઆત કરવાની ચિંતામાં તે તીવ્ર ડિપ્રેશનનો ભોગ બની ગઈ હતી.
આ પણ વાંચો: યુધ્ધના સંકટ વચ્ચે ભારતીય એરલાઇન્સને સરકારે આપી રાહત
પિતાએ કૂકની નોકરી કરી, લોન લઈને દીકરીને નાગપુર ભણાવી હતી
આકાંક્ષાનો પરિવાર આર્થિક રીતે અત્યંત નબળો હતો, પરંતુ દીકરીને ડૉક્ટર બનાવવાની જીદ માટે પિતા કૃષ્ણ કુમાર ચતુર્વેદીએ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર ₹૩ લાખની લોન લીધી હતી. આકાંક્ષા નાગપુરની ખાનગી સંસ્થામાં કોચિંગ લેતી હતી. દીકરીના ભણતર અને હોસ્ટેલનો ખર્ચ પૂરો કરવા માટે તેના પિતા નાગપુરમાં જ એક હોટલમાં રસોઈયા (કૂક) તરીકે નોકરી કરવા લાગ્યા હતા. આખો પરિવાર દીકરીની સફળતા પર આશા રાખીને બેઠો હતો, પણ સિસ્ટમની નાકામીએ બધું જ તહસ-નહસ કરી નાખ્યું.
હૃદયદ્રાવક સુસાઈડ નોટ: ‘મેં તમને બરબાદ કરી દીધા…’
પોલીસને ઘટનાસ્થળેથી એક અત્યંત સંવેદનશીલ સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં આકાંક્ષાએ પોતાની લાચારી વ્યક્ત કરતા લખ્યું હતું:
“સોરી મમ્મી-પપ્પા, તમને પૂરો ભરોસો હતો કે તમારી દીકરી ભણીને ડૉક્ટર બનશે, પરંતુ હવે મારામાં ફરીથી NEETની પરીક્ષા આપવાની જરાય હિંમત બચી નથી. મેં આપ બંનેને બરબાદ કરી દીધા. બીજી વખત પરીક્ષા સારી જ જશે, તેની શું ગેરંટી?”
NEET UG ૨૦૨૬ વિવાદની પૃષ્ઠભૂમિ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત ૩ મેના રોજ લેવાયેલી NEET UG પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ અને પેપર લીક થયાના આક્ષેપો થયા હતા. વ્યાપક વિરોધ બાદ ૧૨ મેના રોજ પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી હતી, અને આગામી ૨૧ મેના રોજ ફરીથી પરીક્ષા યોજવાનું નક્કી કરાયું હતું. હાલ આ સમગ્ર કૌભાંડની તપાસ CBI ચલાવી રહી છે અને અત્યાર સુધીમાં ૧૩ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં પણ પરીક્ષા પદ્ધતિ બદલવા અંગેની અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે.
પરંતુ, આ સરકારી નિર્ણયો અને કાનૂની લડાઈઓ વચ્ચે, દેશની વણસેલી પરીક્ષા વ્યવસ્થાએ વધુ એક મધ્યમવર્ગીય પરિવારનો આશરો અને દેશની હોનહાર દીકરીને હંમેશ માટે છીનવી લીધી છે.
