વિસાવદરનો વિજય વિધાનસભાની ચૂંટણીનો સેમીફાઈનલ હતો, 2027માં ગુજરાત જીતશું : અરવિંદ કેજરીવાલ
ગુજરાત જોડો સદસ્યતા અભિયાન માટે ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણીમાં એકલી જ મેદાનમાં ઊતરશે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નહીં થાય. અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે એમ પણ જાહેર કર્યું હતું કે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને જીત નોંધાવશે.

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભાજપે 30 વર્ષમાં ગુજરાતને બરબાદ કરી નાખ્યું છે. વિસાવદરની જીત આઈસોલેટેડ જીત નથી. 2027 માટે વિસાવદરની ચૂંટણી સેમીફાઈનલ છે.તેમણે તો ત્યાં સુધી કહી દીધુ કે, ગુજરાતની પ્રજા ભાજપને હરાવવા માગે છે પણ તેની પાસે કોઈ વિકલ્પ નથી. હવે આમ આદમી પાર્ટી વિકલ્પ બની છે અને લોકોએ આવનારી ચૂંટણીમાં આપની સરકાર બનાવવાનું મન બનાવી લીધુ છે. કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી. વિસાવદરમાં કોંગ્રેસ ભાજપ સાથે મળી અમને હરાવવા આવી હતી. ઇન્ડિયા બ્લોક સાથે ગઠબંધન લોકસભા ચૂંટણી પૂરતું હતું. હવે અમે સ્વતંત્ર છીએ.
આ પણ વાંચો : સરકાર તમારે દ્વારે! હવે તમને સરકારી યોજનાનો લાભ ઘર આંગણે મળી રહેશે, આ તારીખ સુધી લોકો મેળવી શકશે લાભ
કેજરીવાલે ગુજરાતના યુવાનોને AAP માં જોડાવા આહ્વાન કરતા કહ્યું કે, “જે યુવા ગુજરાત અને દેશ માટે કંઈ કરવા માંગે છે, તેઓ અમારી સાથે જોડાય.” તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, “આપણે બધા મળીને હસતું રમતું અને પ્રગતિશીલ ગુજરાત બનાવશું.