સિક્કિમમાં ટનલની અંદર મિથેન ગેસ વિસ્ફોટથી ભૂસ્ખલન, 7ના મોત, હજુ પણ ઘણા ફસાયેલા
સિક્કિમના નામચી જિલ્લામાં NHPCના તીસ્તા સ્ટેજ-6 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ. નિર્માણાધીન સુરંગની અંદર 1.5 કિમી અંદર મિથેન ગેસનો વિસ્ફોટ થતા ભૂસ્ખલન થયું અને સુરંગનો રસ્તો બંધ થઈ ગયો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 શ્રમિકોના મોત થયા છે જ્યારે 18 શ્રમિકો હજુ પણ અંદર ફસાયેલા છે. NDRF, SDRF અને પશ્ચિમ બંગાળની સ્પેશિયલ ટીમ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂમાં જોડાઈ છે.
કેવી રીતે થઈ દુર્ઘટના?
દુર્ઘટના નામચી જિલ્લાની તીસ્તા સ્ટેજ-VI પ્રોજેક્ટની નિર્માણાધીન સુરંગમાં બની. અધિકારીઓના જણાવ્યા મુજબ સુરંગના આશરે 1.5 કિલોમીટર અંદર કુદરતી રીતે ખડકોમાંથી નીકળતો મિથેન ગેસ મોટા પ્રમાણમાં એકઠો થઈ ગયો હતો.
ગેસને બહાર કાઢવાના પ્રયાસ દરમિયાન અચાનક મોટો વિસ્ફોટ થયો. વિસ્ફોટના કારણે સુરંગનો એક ભાગ ધસી પડ્યો અને લેન્ડસ્લાઇડ થતાં બહાર નીકળવાનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો.
દુર્ઘટના સમયે સુરંગમાં NHPC કર્મચારીઓ સહિત કુલ 25 વર્કર્સ હાજર હતા. કેટલાક શ્રમિકો તાત્કાલિક બહાર નીકળવામાં સફળ રહ્યા પરંતુ 18 હજુ અંદર ફસાયા છે.
અત્યાર સુધી 7ના મોત, રેસ્ક્યૂ યથાવત
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 7 કામદારોના મોત થયાની પુષ્ટિ થઈ છે. બાકીના 18 શ્રમિકો જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે.
ઘણા કામદારો શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે કારણ કે સુરંગની અંદર ઝેરી ગેસ, ઓક્સિજનની અછત અને અત્યંત ઓછી દૃશ્યતા છે.
બચાવ કામગીરીમાં મોટા પડકારો
ઘટનાની જાણ થતાં જ NDRF, SDRF, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી. પરંતુ ઝેરી ગેસને કારણે શરૂઆતમાં ફાયર બ્રિગેડના અનેક જવાનોને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી અને કામગીરી અટકાવવી પડી.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા પશ્ચિમ બંગાળથી ગેસ-સુરક્ષા ઉપકરણોથી સજ્જ સ્પેશિયલ ટીમ બોલાવવામાં આવી છે. સાથે જ પાક્યોંગ અને સિલિગુડીની NDRFની બીજી બટાલિયનના જવાનો પણ રેસ્ક્યૂમાં જોડાયા છે.
સ્થળ પર એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ છે અને ગેસ માસ્ક-સલામતી સાધનોથી સજ્જ ટીમો શ્રમિકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
યુદ્ધના ધોરણે રાહત કાર્ય
જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું કે સુરંગમાં સાંકડા માર્ગો અને ઝેરી ગેસના કારણે બચાવ કામગીરી અત્યંત પડકારજનક બની છે. તમામ એજન્સીઓ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે.
સિક્કિમની આ દુર્ઘટનાએ ફરી એકવાર હિલ પ્રોજેક્ટમાં સુરક્ષાના મુદ્દાઓ ઉઠાવ્યા છે. હાલ તંત્રની પ્રાથમિકતા ફસાયેલા 18 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવાની છે. આગામી કલાકો રેસ્ક્યૂ માટે નિર્ણાયક બનશે.
