મધ્યપૂર્વના તણાવ વચ્ચે સોના, ચાંદી અને પ્લેટિનમમાં તેજી
વિશ્વ બજારમાં ફરી યુદ્ધના એંધાણ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે રોકાણકારોનું પસંદગીનું રોકાણ સોનું ફરી ચમક્યું છે. આજે 21 જુલાઈ 2026ના રોજ દેશભરમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.14,422 પ્રતિ 1 ગ્રામ પર પહોંચ્યો છે. ગઈકાલની સરખામણીએ સોનામાં રૂ.76 સુધીનો વધારો નોંધાયો. સરકારે કસ્ટમ ડ્યુટી વધારી હોવા છતાં વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સોનાના ભાવમાં રોજેરોજ ઉછાળો જોવા મળી રહ્યો છે.
આજે દેશભરમાં સોનાનો ભાવ કેટલો?
Good Returns ના આંકડા મુજબ આજે ભારતમાં સોનાના રેટ આ મુજબ છે:
| શુદ્ધતા | 1 ગ્રામનો ભાવ |
| 24 કેરેટ | રૂ.14,422 |
| 22 કેરેટ | રૂ.13,220 |
| 18 કેરેટ | રૂ.10,816 |
20 જુલાઈની સરખામણીએ 24K માં રૂ.76, 22K માં રૂ.70 અને 18K માં રૂ.57નો વધારો થયો છે.
આ પણ વાંચો: સિક્કિમમાં ટનલની અંદર મિથેન ગેસ વિસ્ફોટથી ભૂસ્ખલન, 7ના મોત, 18 શ્રમિકો હજુ ફસાયા
મુખ્ય શહેરોમાં આજનો રેટ
ચેન્નાઈથી લઈને અમદાવાદ સુધી શહેરવાર1 ગ્રામના ભાવમાં પણ ફેરફાર જોવા મળ્યો:
| શહેર | 24K | 22K | 18K |
| મુંબઈ | રૂ.14,422 | રૂ.13,220 | રૂ.10,816 |
| દિલ્હી | રૂ.14,437 | રૂ.13,235 | રૂ.10,831 |
| કોલકાતા | રૂ.14,422 | રૂ.13,220 | રૂ.10,816 |
| ચેન્નાઈ | રૂ.14,347 | રૂ.13,151 | રૂ.10,966 |
| બેંગલુરુ | રૂ.14,422 | રૂ.13,220 | રૂ.10,816 |
| હૈદરાબાદ | રૂ.14,422 | રૂ.13,220 | રૂ.10,816 |
| પુણે | રૂ.14,422 | રૂ.13,220 | રૂ.10,816 |
| અમદાવાદ | રૂ.14,427 | રૂ.13,225 | રૂ.10,821 |
| વડોદરા | રૂ.14,427 | રૂ.13,225 | રૂ.10,821 |
ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં સોનું સૌથી મોંઘુ વેચાઈ રહ્યું છે.
ચાંદી રૂ.2000 વધી, પ્લેટીનમ રૂ.3000 ઉછળ્યું
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ચાંદી અને પ્લેટીનમના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો. આંતરાષ્ટ્રીય બજારમાં સોનાની તેજીની અસરથી ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂ.2000 વધીને જીએસટી વગર રૂ.2,19,575 પર પહોંચ્યા. જ્યારે પ્લેટીનમના ભાવ પણ 10 ગ્રામ દીઠ રૂ.3000 વધીને રૂ.58,349 રહ્યા. મુંબઈ બજારમાં સોના-ચાંદીના જીએસટી સાથેના ભાવ આ ભાવથી લગભગ 3 ટકા ઊંચા રહે છે. વિશ્વ બજારમાં પણ ચાંદીએ સારી તેજી દર્શાવી હતી, જ્યાં ભાવ $55.91 થી $55.92 થી શરૂ થઈને ઉંચામાં $57.48 સુધી પહોંચ્યા અને બંધ ભાવ $57.05 થી $57.06 પ્રતિ ઔંસ રહ્યા.
ભાવ વધવા પાછળ શું છે કારણ? પશ્ચિમ એશિયાનો તણાવ
સોનાના ભાવમાં તેજીનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલી અસ્થિરતા છે.
– અમેરિકાના હુમલા: અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ અને સિરિક પર સત 10મી રાત્રે હવાઈ હુમલા કર્યા.
– ઈરાનનું નિવેદન: ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશ હવે “પૂર્ણ-સ્તરીય યુદ્ધ”માં પ્રવેશી ચૂક્યો છે.
– તેલના ભાવ પર અસર: હોર્મુઝ સ્ટ્રેટમાં બે તેલ ટેન્કરોમાં આગ લાગતા ક્રૂડના ભાવમાં વિક્ષેપ પડ્યો.
– હુથીઓની નાકાબંધી: યમનના હુથીઓએ સાઉદી અરેબિયા સામે દરિયાઈ નાકાબંધી જાહેર કરી.
– અમેરિકાની તૈયારી: US સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના મિસાઈલ અને ડ્રોન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું. ઈઝરાયલમાં ડઝનેક હવાઈ રિફ્યુઅલિંગ ટેન્કરો તૈનાત કરાયા.
જૂન 2026માં અમેરિકા-ઈરાન વચ્ચે 2 મહિનાનો યુદ્ધવિરામ થયો હતો જેનાથી ભાવમાં થોડી રાહત મળી હતી. પરંતુ ઈઝરાયલના વિરોધ અને સરહદી અથડામણોને કારણે ફરી તણાવ વધતા રોકાણકારો સલામત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે.
ભારતમાં શું અસર?
ભલે સરકારે સોના-ચાંદી પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 5% થી વધારીને 10% કરી હોય, પરંતુ વૈશ્વિક માંગને કારણે સ્થાનિક બજારમાં ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક બજારની હિલચાલ, આયાત ટેરિફ અને રૂપિયાના મૂલ્યમાં ફેરફારના કારણે આગામી દિવસોમાં પણ સોનાના ભાવમાં દૈનિક વધઘટ ચાલુ રહેશે.
મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ અને આર્થિક મંદીના ભય વચ્ચે સોનું ફરી એકવાર “સેફ હેવન” બની ગયું છે. તહેવારો અને લગ્નની સિઝન નજીક આવી રહી હોવાથી સામાન્ય લોકો માટે ખરીદી કરવી હવે વધુ મોંઘી બનશે.
