જંતર મંતરમાં હટાવી ન શકાય એવી લોખંડની બેરીકેડ્સ લગાવવાનું શરૂ
CJPની તાજી ચેતવણીને ભરી પીવાની તૈયારી
નવી દિલ્હી : કોકરોચ જનતા પાર્ટી (CJP)એ વિરોધ પ્રદર્શન ફરી શરૂ કરવાની ચેતવણી આપતાં જંતર મંતર ખાતે સુરક્ષા વ્યવસ્થામાં વધુ કડક બનાવવામાં આવી છે. વિરોધ દરમિયાન બેરીકેડ્સ હટાવી ન શકાય તે માટે સ્થળ પર બંને બાજુ મૂકવામાં આવેલી લોખંડની બેરીકેડ્સને વેલ્ડિંગ કરીને એકબીજા સાથે જોડી દેવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ દિલ્હી પોલીસ, અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓના જવાનોનો ભારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
CJPએ 25 જુલાઈએ કેન્દ્ર સરકાર સાથે થયેલી સમજૂતીનો ભંગ થયો હોવાની આક્ષેપ કર્યો છે.. પક્ષના પ્રવક્તા આશુતોષ રાંકાએ,વિરોધમાં સામેલ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી એફઆઈઆર પાછી ખેંચવાની અને કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરવાની ખાતરી આપવામાં આવી હતી, છતાં ભાજપ શાસિત રાજ્યોમાં અનેક વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી રહી હોવાનો અને નવા ગુના પણ નોંધાઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
રાંકાએ તમામ એફઆઈઆર તાત્કાલિક પાછી ખેંચવા, અટકાયતમાં રહેલા તમામ વિરોધકારીઓને મુક્ત કરવા, દિલ્હી પોલીસ તથા અન્ય એજન્સીઓ દ્વારા નવા કેસ નોંધવાનું બંધ કરવા તેમજ સરકાર સાથે થયેલા લેખિત કરારને જાહેર કરવાની માંગ કરી છે. મહારાષ્ટ્ર પરત ફરેલા CJPના સ્થાપક અભિજીત દિપકેએ પણ સરકાર પોતાનું વલણ ન બદલે તો ફરી રસ્તાઓ પર ઉતરવાની ચીમકી આપી છે. આ સંજોગોમાં પોલીસે અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક બનાવવાની કામગીરી હાથ ધરી દીધી છે
વિદ્યાર્થીઓને કાનુની મદદ માટે ઓનલાઈન પ્લેટફોર્મ
CJPએ વિરોધકારીઓને કાનૂની મદદ પહોંચાડવા માટે દેશવ્યાપી લીગલ એઇડ સેલની રચના કરવાની અને ‘સાક્ષી’ નામનું ઓનલાઈન પુરાવા એકત્રિત કરવાનું પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે વિરોધ સંબંધિત કેસોમાં કાનૂની સહાય માટે ₹1 કરોડના ભંડોળની પણ જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે CJPએ પૂર્વ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે 36 દિવસ સુધી જંતર મંતર પર આંદોલન ચલાવ્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈએ પદ છોડ્યા બાદ પક્ષે આંદોલન સ્થગિત કર્યું હતું, પરંતુ હવે સરકારે સમજૂતીનું પાલન ન કર્યું હોવાનો આરોપ મૂકી ફરી આંદોલનની ચેતવણી આપી છે.
