પાકિસ્તાની હેન્ડલ્સ દ્વારા મોદી અને પિયુષ ગોયેલના ફેક વીડિયો વાયરલ
જંતર મંતર ખાતે ચાલી રહેલા આંદોલન વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલના નામે એઆઈ આધારિત ફેક વીડિયો વાયરલ થતા તંત્ર ચોકી ઉઠ્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ફેક્ટ ચેક યુનિટે, બંને નેતાઓએ વીડિયોમાં દર્શાવ્યા મુજબ કોઈ નિવેદન ન આપ્યું હોવાની સ્પષ્ટતા કરી છે. આ વીડિયો પાકિસ્તાની પ્રચાર હેન્ડલ્સ દ્વારા ભ્રામક માહિતી ફેલાવવાના હેતુથી બનાવવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે.
પીઆઈબીના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ આંદોલનકારી વિદ્યાર્થીઓને ધમકી આપી રહ્યા હોય તેવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે. આ માટે મૂળ વીડિયો સાથે છેડછાડ કરીને તેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ની મદદથી નકલી અવાજ (સ્પ્લાઇસ્ડ ઓડિયો) ઉમેરવામાં આવ્યો છે.
પીઆઈબીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીના ગુરુવારે પેપર લીક મુદ્દે કડક કાર્યવાહી અંગેના મૂળ સંબોધનને ડિજિટલ રીતે બદલી નાખવામાં આવ્યું છે. તેવી જ રીતે સંસદ બહાર પિયુષ ગોયેલે આપેલા નિવેદનના ઓડિયોમાં પણ ફેરફાર કરીને તેને આંદોલનકારીઓને ધમકી આપતા નિવેદન તરીકે રજૂ કરવામાં આવ્યું છે.
ફેક્ટ ચેક યુનિટે સ્પષ્ટ કર્યું છે કે આ વીડિયો સંપૂર્ણપણે ભ્રામક અને એઆઈથી તૈયાર કરાયેલા છે. લોકો આવા વીડિયો શેર કરતાં પહેલાં તેની સત્યતા ચકાસે અને ભ્રામક પ્રચારથી સાવચેત રહે તેવી અપીલ પણ કરવામાં આવી છે.
ફેક વીડિયો અંગે PIBને જાણ કરવા અપીલ
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ લોકોને સોશિયલ મીડિયા પર કોઈ પણ શંકાસ્પદ અથવા એઆઈથી બનાવેલા ભ્રામક વીડિયો કે પોસ્ટ જોવા મળે તો તેની જાણ +91 87997 11259 પર વોટ્સએપ દ્વારા અથવા factcheck@pib.gov.in ઈ-મેઇલ મારફતે કરવા વિનંતી કરવામાં આવી છે.
