પેલેટ ગનના ઉપયોગ અંગે RTI હેઠળ માહિતી આપવાનો CRPFનો ઇનકાર
માહિતી માંગનાર પૂર્વ સાંસદ સુપ્રીમ કોર્ટમાં દાદ માંગશે
દિલ્હીમાં 20 જુલાઈએ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ થયો હતો કે નહીં તે અંગે માહિતી આપવાનો CRPF એ ઇનકાર કરી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ સાકેત ગોખલેએ RTI હેઠળ આ માહિતી માંગી હતી પણ CRPF એ હાથ ઊંચા કરી દેતાં તેમણે આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાનો નિર્ણય જાહેર કર્યો છે.
ગોખલેએ કહ્યું કે કાયદા મુજબ CRPF ને RTI ના દાયરામાંથી બહાર રાખવામાં આવેલ છે પણ ભ્રષ્ટાચાર અને માનવ અધિકાર ભંગના કેસમાં તે જવાબ દેવા બંધાયેલ છે.પણ, હવે આ કેસમાં CRPF એ પેલેટ ગનનો ઉપયોગ ‘ માનવ અધિકાર ભંગ ‘ ન હોવાનું જણાવી માહિતી આપવાનો ઇનકાર કર્યો છે.
ગોખલેએ આ નિર્ણય સામે અપીલ કરી હતી, પરંતુ અપીલ સત્તાધિકારીએ પણ એ જ કારણ દર્શાવી માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.ગોખલે એ કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાનૂન મુજબ પેલેટ ગન નો ઉપયોગ પ્રતિબંધિત છે.તેમણે ઉમેર્યું કે દિલ્હીમાં નિઃશસ્ત્ર યુવાનો સામે પેલેટ ગનનો ઉપયોગ થયો એ સીધો જ માનવ અધિકારનો ભંગ છે પણ વિડંબના છે કે CRPF તેવું માનતી નથી.તેમણે વધુમાં કહ્યું કે નિઃશસ્ત્ર યુવાનો સામે પેલેટ ગનનો ઉપયોગ ગંભીર મુદ્દો છે અને કોઈ પણ લોકશાહી દેશમાં તેને સામાન્ય ઘટના તરીકે ન જોવી જોઈએ.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં મદ્રેસા બનાવવા માટે 100 વર્ષ જૂનું મંદિર તોડી પડાયું
પહેલાં ઉપયોગનો ઇનકાર, હવે કહે છે – માનવ અધિકાર ભંગ નથી…
સાકેત ગોખલેએ જણાવ્યું કે વિરોધ પ્રદર્શન બાદ કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓએ શરૂઆતમાં પેલેટ ગનનો ઉપયોગ થયો હોવાનો જ ઇનકાર કરી દીધો હતો. બાદમાં વિવિધ RTI અરજીઓ અને હોસ્પિટલના રેકોર્ડ સામે આવ્યા પછી ઇજાઓના કેસોની માહિતી બહાર આવ્યા પછી હવે CRPFનું કહેવું છે કે આ મામલો માનવ અધિકાર ભંગના અપવાદ હેઠળ આવતો નથી. ગોખલેએ આ વલણને વિરોધાભાસી ગણાવી કહ્યું કે એક તરફ પેલેટ ગનના ઉપયોગ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવતી નથી અને બીજી તરફ તેને માનવ અધિકાર ભંગ માનવાનો પણ ઇનકાર કરવામાં આવી રહ્યો છે.
10 લોકો ઘાયલ હોવાની હોસ્પિટલોની કબૂલાત
સાકેત ગોખલેના જણાવ્યા મુજબ RTI દ્વારા પ્રાપ્ત માહિતીમાં લેડી હાર્ડિંગ હોસ્પિટલએ 20 જુલાઈના રોજ પેલેટ ગનથી ઇજાગ્રસ્ત થયેલા 9 લોકોની સારવાર થયાનું સ્વીકાર્યું છે, જ્યારે સફદરજંગ હોસ્પિટલએ એક વ્યક્તિને આવી ઇજા પહોંચી હોવાનું જણાવ્યું હતું. આમ કુલ 10 લોકો પેલેટ ગનથી ઘાયલ થયા હોવાના સંકેતો હોસ્પિટલોના સત્તાવાર રેકોર્ડમાંથી મળ્યા છે. જોકે AIIMSએ પેલેટ, શોટ અથવા અન્ય પ્રોજેક્ટાઇલથી ઇજાગ્રસ્ત થયેલા લોકો અંગેની વિગતો વ્યક્તિગત માહિતીના સંરક્ષણનો હવાલો આપી જાહેર કરવાની ના પાડી હતી.
