મહિલા જજનું પણ યૌન શોષણ થાય છે: વકીલ ઇન્દિરા જયસિંહ
એક જજની લગ્નની વર્ષગાંઠ નિમિત્તે મહિલા જજને પાર્ટીમાં આવીને આઈટમ ડાન્સ કરવાનું કહેવાયું હતું, ઇનકાર કરતા નોકરી ગઈ!
સુપ્રીમ કોર્ટની વરિષ્ઠ વકીલ અને મહિલા અધિકારોની કાર્યકર્તા ઇન્દિરા જયસિંહે ભારતીય ન્યાયતંત્રમાં મહિલા જજો સામે થતા યૌન શોષણને “ડર્ટી સિક્રેટ” (ગંદું રહસ્ય) ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે અનેક મહિલા જજો પુરુષ સહકાર્યકરો દ્વારા થતા યૌન ઉત્પીડનની ફરિયાદો તેમની પાસે લાવી છે. આ રીતે એમણે સ્ફોટક નિવેદન આપ્યું હતું.
29મી ડી.એસ. બોર્કર સ્મૃતિ વ્યાખ્યાનમાળા (“માય વિઝન ઓફ ઇન્ડિયા: 2047 એ.ડી.”)માં બોલતાં જયસિંહે કહ્યું, “મારા અનુભવમાં મને અનેક મહિલા જજો સાથે કામ કરવું પડ્યું છે. મેં અનેક મહિલા જજોનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ મહિલા જજો પુરુષ જજો દ્વારા થતા યૌન ઉત્પીડનની ફરિયાદો લઈને મારી પાસે આવી હતી. તેથી જ મેં મારા પુસ્તકમાં લખ્યું છે કે યૌન ઉત્પીડન ભારતીય ન્યાયતંત્રનું ડર્ટી સિક્રેટ છે. કોઈ તેના વિશે વાત કરવા માંગતું નથી.”
તેમણે ન્યાયતંત્રમાં રહેલી શ્રેણીબદ્ધ વ્યવસ્થાને આવી ઘટનાઓનું મુખ્ય કારણ ગણાવ્યું. એક મહિલા જજના અનુભવનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે હાઇકોર્ટના જજ નિવૃત્ત થાય ત્યારે જિલ્લા અદાલતની મહિલા જજોને એક જ રંગની સાડી પહેરીને લાઇનમાં ઊભા રહેવાનું અને ડાઇનિંગ રૂમમાં પ્રવેશતા પુરુષ જજો પર ફૂલો ફેંકવાનું કહેવામાં આવે છે. આ ઉચ્ચ ન્યાયતંત્રની પ્રથા છે.
આ જ મહિલા જજે તેમને વધુ એક ઘટના જણાવી હતી. એક પુરુષ જજે તેમને કહ્યું હતું કે, તેમની 25મી લગ્ન વર્ષગાંઠની પાર્ટીમાં આવો અને “આઇટમ નંબર” પર નૃત્ય કરો. મહિલા જજે આનો વિરોધ કર્યો, જેના કારણે તેમણે નોકરી ગુમાવી હતી.
જયસિંહે કહ્યું કે આવી વ્યવસ્થાના મહિલા જજો પર વિનાશક પરિણામો આવે છે અને તેમની આશા છે કે 2047 સુધીમાં આવી અપમાનજનક પ્રથાઓ સમાપ્ત થઈ જશે.
આ નિવેદનથી ન્યાયતંત્રમાં મહિલા જજોની સુરક્ષા અને સમાનતાના મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. જયસિંહ લાંબા સમયથી ન્યાયતંત્રમાં મહિલાઓ સામે થતા ભેદભાવ અને ઉત્પીડન વિરુદ્ધ અવાજ ઉઠાવતા આવ્યા છે.
