દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ દ્વારા બુધવારે સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો અને રૂપિયા 5 હજાર કરોડની કિમતનો કોકેઇનનો જંગી જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી હતી. સાથે 4 લોકોની ધરપકડ પણ કરી હતી. આ જથ્થો 565 કિલોનો હોવાનું અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું.
પોલીસે એવી માહિતી આપી હતી કે દિલ્હીમાં પકડાયેલ આ સૌથી મોટો જથ્થો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટુકડીઓ દક્ષિણ દિલ્હીના એક વિસ્તારમાં ત્રાટકી હતી. મહરોલી નામના વિસ્તારમાંથી 4 લોકોને પકડી પાડીને એમની પૂછપરછ કરવામાં આવી હતી.
કોકેઇનના આ જથ્થા ઉપરાંત પોલીસને થાઈલેન્ડનું મેરવાના નામનું ડ્રગ પણ મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં કોકેઇનની 1 કિલોની કિમત રૂપિયા 10 કરોડ છે. આમ પકડાયેલા જથ્થાની કિમત રૂપિયા 5 હજાર કરોડ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
પોલીસને ગુપ્તચરો દ્વારા ટીપ મળી હતી અને તેના આધારે પોલીસ ટુકડીએ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ પહેલા એક સાથે આટલી જંગી માત્રામાં કોકેઇન ક્યારેય પકડાઈ નથી. જો કે એક વાર પોલીસે 360 કિલો હેરોઇન પકડી હતી.
આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તેમજ તેના લેન્ડિંગ એજન્ટ કોણ છે તે બારામાં પોલીસે તપાસ આગળ વધારી છે. પકડાયેલા 4 શખ્સો પાસેથી માહિતી કઢાવવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.