બદરીનાથમાં દાન-ચઢાવા મામલે ગેરરીતિના આક્ષેપ થતાં BKTC એક્શન મોડમાં: તપાસના આદેશ
અયોધ્યા રામ મંદિરના દાન મામલે વિવાદ શાંત પણ નથી થયો અને હવે ચારધામમાંથી એક બદરીનાથ ધામમાંથી પણ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા દાનમાં ઉચાપત થઈ હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર વાયરલ થતા બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને વિશેષ ટીમની રચના કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયા આક્ષેપો
ઉત્તરાખંડના સુપ્રસિદ્ધ બદરીનાથ ધામમાં દાન અને ચઢાવાની રકમમાં ગેરરીતિ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મામલે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક કર્મચારીને સમિતિના અધ્યક્ષના અંગત સચિવ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. જોકે આ દાવાને સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ ખોટો ગણાવ્યો છે અને કહ્યું કે તે વ્યક્તિ માત્ર સામાન્ય સરકારી કર્મચારી છે.
BKTC એક્શન મોડમાં, રચાઈ વિશેષ તપાસ ટીમ
બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. સમિતિએ સમગ્ર મામલાની પારદર્શક તપાસ માટે તાત્કાલિક અસરથી એક વિશેષ ટીમની રચના કરી છે. અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટ કહ્યું છે કે આ મામલે કોઈ ઢીલ રાખવામાં આવશે નહીં અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. જવાબદાર કર્મચારીઓ પાસેથી સ્પષ્ટતા પણ માંગવામાં આવી છે.
CCTV ફૂટેજ ખંગાળાઈ રહ્યા, કાર્યવાહીની તૈયારી
સમિતિના મુખ્ય કાર્યાધિકારી સોહન સિંહ રાંગડે જણાવ્યું કે 2 જુલાઈથી આ અંગે ફરિયાદો મળી રહી હતી. હાલ મંદિરના CCTV ફૂટેજની તપાસ ચાલી રહી છે, જોકે ફૂટેજ ખૂબ સ્પષ્ટ નથી. તપાસ ટીમ તમામ પુરાવા અને નિવેદનોના આધારે અંતિમ રિપોર્ટ તૈયાર કરશે. જે કોઈ કર્મચારી દોષિત જણાશે તેની સામે બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ અધિનિયમ 1939 અને કર્મચારી આચરણ નિયમાવલી હેઠળ કાયદાકીય અને વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.
ભક્તોના વિશ્વાસને ઠેસ ન પહોંચે તે માટે કડકાઈ
સમિતિએ લોકોને અપીલ કરી છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભ્રામક વાતો ન ફેલાવવામાં આવે. મંદિરની પવિત્રતા જાળવવા અને ભક્તોનો વિશ્વાસ અકબંધ રાખવા માટે સમગ્ર મામલા પર સત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની નાણાકીય અનિયમિતતા સામે આવશે તો કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી બાંયધરી પણ તંત્રએ આપી છે.
